Video: અમરેલી પર વરસાદી આફત! બે સગર્ભાને JCB-બોટમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ, સર્વત્ર પાણી જ પાણી

Heavy Rain in Amreli : ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં અમરેલીના રાજુલામાં પડેલા 6 ઇંચ વરસાદના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અમરેલીના ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેથી અનેક ગામો સંપર્કવિહોણા બન્યા હતા. આ પૂરના પાણી વચ્ચે કુલ બે મહિલાને પ્રસવ પીડા ઉપડતાં તેમને હૉસ્પિટલ લઈ જવું અઘરું પડ્યું હતું. કોઈ વાહન ન મળતાં એક મહિલાને જીસીબીનો સહારો લઈ હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યારે અન્ય મહિલાને બોટ મારફતે દરિયાઈ માર્ગે ખાડી પાર કરાવી સામા કાંઠે લાવી 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ હતી. આ સિવાય 50 જેટલા ખેત મજૂરો ફસાયાના પણ સમાચાર સામે આવ્યા હતા.
મહિલાને બોટ મારફતે હૉસ્પિટલ લઈ જવાઈ
અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા ચાંચબંદર ગામની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. ગામ વિક્ટર દરિયાઈ ખાડીની નજીક હોવાથી, મહિલાને બોટ મારફતે દરિયાઈ માર્ગે ખાડી પાર કરાવી સામા કાંઠે લાવવામાં આવ્યા હતા. સામા કાંઠે 108 એમ્બ્યુલન્સની ટીમ તૈયાર હતી, જેમણે સમયસૂચકતા વાપરીને મહિલાને તરત જ એમ્બ્યુલન્સમાં લીધા અને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનામાં દરિયાઈ માર્ગની અડચણ હોવા છતાં, બોટ અને 108 ટીમની સંયુક્ત કામગીરીથી મહિલાને સમયસર મદદ મળી હતી.

મહિલાને JCBમાં હૉસ્પિટલ લઈ જવાઈ
બીજી તરફ ગઈકાલ રવિવારની રાત્રે રાજૂલા વિસ્તારમાં અનરાધાર વરસાદને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં સગર્ભા મહિલાની ડિલિવરીનો કિસ્સો સામે આવ્યો છે. સમઢીયાળા બંધારામાં પાણી આવવાને કારણે રાજુલાના ગ્રામ્ય વિસ્તારો, ખાસ કરીને ચાંચબંદર જતો માર્ગ બંધ થઈ ગયો હતો, જેના કારણે ડિલિવરી માટે હોસ્પિટલ પહોંચવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ. જોકે, સ્થાનિક લોકોએ તત્પરતા દાખવીને JCBની મદદથી મહિલાને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી બહાર કાઢી અને સુરક્ષિત સ્થળે પહોંચાડી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની ટીમે મહિલાને રાજુલા હોસ્પિટલ પહોંચાડી, જ્યાં મહામહેનતે મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી. આ ઘટનામાં કુદરતી આફત વચ્ચે પણ માનવતા અને સમયસૂચકતાના કારણે માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકાયો હતો.
પૂરના પ્રવાહમાં દૂધના કેન ભરેલી ગાડી તણાઈ
અમરેલીના રાજુલા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રામપરા અને L&T કંપની વચ્ચેના કોઝવે પર પાણીનો પ્રવાહ ખતરનાક રીતે વધી ગયો હતો. આ પૂરના પ્રવાહમાં દૂધના કેન ભરેલી એક ગાડી તણાઈ હતી. ગાડી પાણીના તેજ પ્રવાહમાં ખેંચાઈ ગઈ, પરંતુ સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો. સ્થાનિક લોકો અને બચાવ ટીમે મહામહેનત કરીને દોરડાની મદદથી મૃત્યુ સામે ઝઝૂમી રહેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે પૂરના પ્રવાહમાંથી બહાર કાઢ્યો હતો.
વરસાદને કારણે મકાન ધરાશાયી
લાઠી તાલુકાના ઠાંસા ગામે સતત વરસી રહેલા વરસાદને કારણે એક કાચું મકાન ધરાશાયી થયું હતું. ગઈકાલ રવિવારથી ધીમીધારે વરસાદ ચાલુ રહેતા, સામતભાઈ વજાભાઈ પરમારનું કાચું મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મકાન તૂટી પડવાથી ઘરમાં રહેલા માલસામાનને ભારે નુકસાન થયું છે. આખી રાત ધીમો પણ સતત વરસાદ પડવાના કારણે આ જૂનું મકાન ધરાશાયી થયું હતું.

ખેડૂતોને ભારે નુકસાન
અમરેલી જિલ્લામાં ખાબકેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયો છે. ખેડૂતોના મગફળીના પાથરા વરસાદના પાણીમાં પલળી જતાં તેમને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

તાતણીયા ગામની નદીમાં પૂર
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ઘોઘમાર વરસાદ વરસાવ્યો છે, જેની અસર ખાંભા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે ખાંભાના તાતણીયા ગામની નદીમાં પૂર આવ્યું છે. અમરેલી જિલ્લાના તાતણીયા ગામના ખોડિયાર મંદિર પાસેના ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું.

કેડસમા પાણીમાં બચાવ કામગીરી
બીજી બાજું અમરેલીના ધાતરવાડી નદીમાં આવેલા પૂરના કારણે ઉંચેયા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. અહીં ખેતરોમાં પાણી ફરી વળતા અંદાજે 50 જેટલા ખેતમજૂરો વાડીમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી પોતે કેડસમા પાણીમાં ચાલીને પીપાવાવ મરીન પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. સમયસર તાત્કાલિક મદદ મળવાના કારણે 50 જેટલા લોકોનો સફળ બચાવ કરી શકાયો અને તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ધારાસભ્યની સમયસૂચકતા અને વહીવટી તંત્રની મદદથી મોટી જાનહાનિ થતાં ટળી હતી.


