પ્રવાસીઓ માટે માઠા સમાચાર, હરણાવ નદીના પૂરમાં રસ્તો ધોવાઈ જતાં પ્રવાસે માટે પોળો ફોરેસ્ટ બંધ
Polo Forest : ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય અને હરિયાળીનો આનંદ માણવા માટે પ્રવાસીઓનું પ્રથમ પસંદ બનેલું સાબરકાંઠા જિલ્લાનું પોળો ફોરેસ્ટ હાલ બંધ કરવામાં આવ્યું છે. હાલ પોળો ફોરેસ્ટ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે વીકએન્ડમાં અને ખાસ કરીને ચોમાસામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડતી હોય છે. પરંતુ ભારે વરસાદ અને હરણાવ નદીમાં આવેલા પૂરના કારણે પોળો ફોરેસ્ટનો મુખ્ય રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે પ્રવાસીઓ માટે હાલ પોળો ફોરેસ્ટમાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રસ્તો ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ
હરણાવ નદીના પૂરના કારણે પોળો ફોરેસ્ટમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો ધોવાઈ ગયો છે. શાર્ણેશ્વરથી જૈન મંદિર વિસ્તાર તરફનો રસ્તો અને અન્ય એક રસ્તો પણ ધોવાઈ ગયો છે. જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
પ્રવાસીઓ માટે ફોરેસ્ટ બંધ
પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હરણાવ નદીમાં પૂરની પરિસ્થિતિ અને રસ્તાઓની ખરાબ હાલતને કારણે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોળો ફોરેસ્ટની મુલાકાત લેવા આવતા હોય છે, પરંતુ રસ્તો બંધ થવાના કારણે તેમને નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. જેના કારણે કારણે પ્રવાસીઓની મજા બગડી છે અને સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે.