વડોદરામાં દર ચોમાસામાં બાજવા રેલવે ગરનાળુ વરસાદમાં ભરાતા લોકો માટે માથાના દુખાવા સમાન
Vadodara : વડોદરામાં વોર્ડ નંબર એકમાં સમાવિષ્ટ છાણી-બાજવા રોડ પર બાજવા રેલવે ગરનાળુ દર ચોમાસામાં વરસાદી પાણીથી ભરાઈ જતા માથાના દુખાવા સમાન બની જાય છે અને મુશ્કેલી સર્જી દે છે. ગરનાળામાં પાણી ભરાતા છાણીથી બાજવા, ઉંડેરા, કરોડીયા, જીએસએફસી બાજુ વગેરે સ્થળે જવાનો વ્યવહાર બંધ થઈ જાય છે. જેથી લોકોને ફરીને રણોલી, નંદેસરી બાજુથી જવું પડે છે. ગરનાળાની સાઈડમાંથી લોકો ઊંચા રસ્તા પરથી લોકો ટુ વ્હીલર લઈને જાનના જોખમે પસાર થાય છે.
વોર્ડ નંબર એકના છાણીના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ છેલ્લા પાંચ વર્ષથી આ મુદ્દે રજૂઆત કરવામાં આવે છે. જોકે હાલ ત્રણ પંપ મૂકેલા છે. ગરનાળુ ભરાય એટલે પાણી ઉલેચવા માટે પંપ ચાલુ કરીને નિકાલ લાવવામાં આવે છે, પરંતુ આ કાયમી વ્યવસ્થા નથી. તેમના કહેવા મુજબ અહીં બ્રિજ બનાવવાનું આયોજન વિચાર્યું છે. પરંતુ બ્રિજનો ખર્ચ અડધો રેલવે આપે અને અડધો કોર્પોરેશન તે મુદ્દે હજુ નિર્ણય લેવાયો નથી. જે રીતે અલકાપુરી ગરનાળુ ડબલ બનાવવામાં આવ્યું છે તે રીતે અહીં પણ ડબલ બનાવવું જરૂરી બની ગયું છે.