ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની 'સર્જરી' કરાઈ, સમજો ભાજપનું ગણિત!

Gujarat Cabinet Reshuffle: ગુજરાતમાં હાલ રાજકીય પરિસ્થિતિ વધુને વધુ પ્રવાહી બની રહી છે. ભાજપથી વિમુખ થઈ રહેલી જનતાએ હવે વિપક્ષ તરફ નજર માંડી છે. આ જોતાં ભાજપે નાછૂટકે મંત્રીમંડળની રાજકીય સર્જરી કરવા મજબૂર થવુ પડયું છે. આખરે જાતિગત સમીકરણ આધારે મંત્રીપદ આપી લોકોમાં રોષ ઠારવા ભાજપે મથામણ કરવી પડી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળની શપથગ્રહણ વિધિ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે શપથ
ગુજરાતના મંત્રી મંડળમાં ફેરફાર
ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર કરવા પાછળ ભાજપની ગણતરી એ છે કે, છેલ્લાં ઘણાં સમયથી સરકાર-સંગઠન વચ્ચે મોટી ખાઈ પડી છે. ખુદ ભાજપના ધારાસભ્ય-સાંસદો જ સરકાર વિરોધી હોય તેવું ચિત્ર ઊભું થયુ છે. દક્ષિણ ગુજરાતને વધુ પ્રતિનિધિત્વ અપાતાં અન્ય પ્રદેશોને વંચિત રખાયા હોય તેવું લોકો અનુભવી રહ્યા છે જેથી સ્થાનિકો સરકારથી નારાજ છે.
ગુજરાતને મળશે નાયબ મુખ્યમંત્રી?
આ ઉપરાંત પાટીદાર, કોળી, ઓબીસી, એસસી-એસટી સહિત અન્ય જ્ઞાતિને પૂરતુ પ્રતિનિધિત્વ મળી શક્યું નથી. આ જોતાં રાજકીય સમીકરણો બંધબેસતા નથી. વર્તમાન મંત્રીઓ-પરફોર્મન્સ ખૂબ જ નબળુ રહ્યું છે. લોકોના પ્રશ્ન હલ કરવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા છે. આ જોતાં સરકારની કાર્યક્ષમત વધારવા માટે યુવા અને નવા ચહેરા-મંત્રીપદ આપવું જરૂરી બન્યું છે. આ જોતા જ મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પણ કોન્સેપ્ટ અજમાવાય તો નવાઈ નહી. સ્થિતિને થાળે પાડવા માટે જ ભાજપના આલા નેતાઓએ ગાંધીનગર દોડી આવવુ પડ્યું હતું.