ગુજરાત પોલીસ 'ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ' થી સજ્જ, વિશેષતા જાણી ચોંકશો
Gujarat Police: ગુજરાત પોલીસને મદદ કરવા અને ગુનાખોરી અટકાવવા માટે હવે નવીનતમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે રાજ્યની સુરક્ષા વધારવા માટે ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યા છે. આ બેમાંથી એક વ્હીકલ રાજકોટને આપવામાં આવ્યું છે.
શું છે ડીપ ટ્રેકર વ્હીકલ?
નોંધનીય છે કે, આ ડીપ ટ્રેકર વ્હીકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા એવિડન્સ રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં મદદરૂપ થશે. માત્ર 10 કિલોનું આ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર 200 કિ.મી. સુધીની ઊંડાઈએ જઈને 100 કિલો સુધીનું વજન ઊંચકીને બહાર કાઢી શકે છે. હાઇ ક્વોલિટી વીડિયો રેકોર્ડિંગ માટે અલ્ટ્રા હાઇ ડેફિનેશન 4K કેમેરાથી સજ્જ આ વ્હીકલ ડહોળા પાણીમાં પણ ઓપરેશન પાર પાડી શકે છે. આ મોસ્ટ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર 200 મીટર સુધી ઊંડાણમાં જઈને સર્ચ, એવિડન્સ રિકવરી, ટ્રેક અને સર્વેલન્સ કરી શકે છે.
ડીપ ટ્રેકર વિહિકલની વિશેષતાઓ
- પાણીની અંદર 200 મીટર સુધીની ઊંડાઈએ જઈ શકે છે.
- સ્પષ્ટ અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિડીયો રેકોર્ડિંગ માટે અલ્ટ્રા હાઈ ડેફિનેશન (UHD) 4K કેમેરાથી સજ્જ.
- નાઈટ ઓપરેશન માટે 2000 લ્યુમેનની શક્તિશાળી લાઈટ ધરાવે છે.
- ડહોળા પાણીમાં પણ ચોક્કસ ઓપરેશન કરવા માટે અત્યાધુનિક મલ્ટીબિમ SONAR (સાઉન્ડ એન્ડ નેવિગેશન રેન્જિંગ) ટેકનોલોજીનો ઉપયોગ.
- 360 ડિગ્રી ફરી શકે તેવો અને 100 કિલો સુધીનું વજન પકડીને બહાર કાઢી શકે તેવો ગ્રેબર આર્મ.
પોલીસ માટે ખૂબ ઉપયોગી
પોલીસ અનેક મહત્ત્વની કામગીરી માટે ડીપ ટ્રેકર વ્હીકલનો ઉપયોગ કરી શકે છે, જેમકે...
- અંડરવોટર સર્ચ એન્ડ રિટ્રિવલ
- પુરાવા (એવિડન્સ) સર્ચ એન્ડ રિકવરી
- અંડરવોટર સર્વેઇલન્સ
- અંડરવોટર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન
- પોસ્ટ
- ક્રાઇમ વીડિયોગ્રાફી
આ પણ વાંચોઃ સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ
તાજેતરમાં, ગુજરાત પોલીસે ગંભીરા દુર્ઘટનામાં પણ આ વ્હીકલનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ વ્હીકલનું સંચાલન ગુજરાત પોલીસના જ અધિકારી-કર્મચારીઓ કરે છે. આ માટે પોલીસ અધિકારી કર્મચારીઓએ ત્રણ-ત્રણ દિવસની ખાસ તાલીમ પણ મેળવી છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 'ડીપ ટ્રેકર' ટેકનોલોજીનો સફળ ઉપયોગ
તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટનામાં, ગુજરાત પોલીસે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં વડોદરા રૂરલ એસ.પી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસની ખાસ તાલીમબદ્ધ ટીમે આ અદ્યતન 'ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હિકલ'નો ઉપયોગ કર્યો હતો. નદીમાં પાણી ડહોળું હતું, છતાં પણ આ વ્હીકલે અદ્ભુત કામગીરી કરી હતી. તેની મદદથી પોલીસને પાણીના ઊંડાણમાં ડૂબી ગયેલા વાહનો અને અન્ય પુરાવાની શોધખોળ કરવામાં ઘણી મદદ મળી હતી. આ ઓપરેશન દરમિયાન, 'ડીપ ટ્રેકર' વ્હીકલના કેમેરા અને ગ્રેબર આર્મની મદદથી બાઇક અને તેના કેટલાક મહત્ત્વના પાર્ટ્સ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા.આ ઘટનાએ સાબિત કરી દીધું કે, આ 'ડીપ ટ્રેકર' વ્હીકલ પોલીસને માત્ર ગંભીર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન અને પુરાવા શોધવામાં જ નહીં, પરંતુ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં જ પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.