ટ્રાફિક નિયમોના ધજાગરા! જેતપુર અને સોમનાથમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ સીટ બેલ્ટ વગર દોડાવી ST બસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Veraval News: અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી હોવાથી સરકાર દ્વારા થોકબંધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ધમધમાટ ચાલુ છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી બસોનું લોકાર્પણ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ લોકાર્પણ કાર્યક્રમોમાં જનતાના પ્રતિનિધિઓ જ કાયદાનું પાલન કરવાનું ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નવી બસોને લીલી ઝંડી આપ્યા બાદ પોતે સ્ટીયરિંગ સંભાળ્યું હતું, પરંતુ આ દરમિયાન તેઓએ સીટબેલ્ટ ન બાંધીને ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું.
ભાજપના જયેશ રાદડિયાનો વીડિયો વાઇરલ
જેતપુર ખાતે નવી એસ.ટી. બસોના લોકાર્પણ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સાહમાં આવીને તેઓ પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયા હતા અને બસ ચલાવી હતી. જેનો વીડિયો બે દિવસથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેમણે સીટબેલ્ટ પહેર્યો નહોતો. એક જવાબદાર નેતા તરીકે ટ્રાફિકના પાયાના નિયમની અવગણના ચર્ચાનો વિષય બની છે.
વિમલ ચુડાસમાનો વીડિયો વાઇરલ
આવી જ ઘટના સોમનાથમાં પણ જોવા મળી હતી. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ નવી બસના લોકાર્પણ સમયે ડ્રાઈવિંગ સીટ સંભાળી હતી. તેમણે પણ સીટબેલ્ટ વગર જ બસ હંકારી હતી. સોશિયલ મીડિયામાં આ બંને નેતાઓના વીડિયો વાઇરલ થયા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, "શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે?"

પોલીસનું પણ ભેદી મૌન
અહીં સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે, શું ધારાસભ્ય પાસે પબ્લિક ટ્રાન્સપોર્ટની હેવી બસ ચલાવવાનું કાયદેસરનું લાયસન્સ છે? મોટર વ્હીકલ એક્ટ મુજબ કોઈપણ હેવી કોમર્શિયલ વાહન ચલાવવા માટે ખાસ પ્રકારના લાયસન્સ અને ટ્રેનિંગની જરૂર હોય છે. જો કોઈ સામાન્ય નાગરિક લાયસન્સ વિના કે ટુ-વ્હીલર પર હેલ્મેટ વિના પકડાય તો પોલીસ અને આરટીઓ તેને આકરો દંડ ફટકારે છે અને કાયદાનો પાઠ ભણાવે છે. પરંતુ જ્યારે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ, જેઓ ખુદ કાયદાના ઘડવૈયા ગણાય છે, તે જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરે ત્યારે આ તંત્ર કેમ આંખ આડા કાન કરે છે?








