Get The App

વધુ એક કૌભાંડ: ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ શ્રમિકો 'નકલી', ભ્રષ્ટ અધિકારી-એજન્ટોની મિલીભગત

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
વધુ એક કૌભાંડ: ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ શ્રમિકો 'નકલી', ભ્રષ્ટ અધિકારી-એજન્ટોની મિલીભગત 1 - image

Gujarat MGNREGA Scam: ગુજરાતમાં મનરેગા યોજના મળતિયાઓ માટે કમાણીની યોજના બની રહી છે. આ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરતાં સરકારની આબરુનું ધોવાણ થયું છે, ત્યારે વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ નકલી મજૂરો હોવાનું સામે આવ્યુ છે. મનરેગા યોજના થકી ગરીબ આદિવાસીઓને 100 દિવસ રોજગાર આપવાનો દેખાડો કરાયો છે. એટલું જ નહીં, ચોપડે મજૂરો દર્શાવી બારોબાર રકમ ચૂકવી દેવાય છે. જો આ મુદ્દે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો વ્યાપકપણે ગેરરીતિ બહાર આવે તેવી શક્યતા છે. 

આ પણ વાંચોઃ 'પ્રશ્ન નહીં ઉકેલો તો ચૂંટણીમાં જવાબ મળશે..' અમદાવાદના ઠક્કરબાપા નગરના ધારાસભ્યને સ્થાનિકોની ચીમકી

મનરેગામાં નકલી મજૂરો

રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં તળાવો ઊંડા કરવાથી માંડીને અન્ય કામો કરાવી ગરીબોને રોજગાર આપી શકાય તે મનરેગા યોજનાનો મૂળ હેતુ રહ્યો છે. પણ આ યોજના મળતિયા, એજન્ટો અને ભ્રષ્ટ અધિકારીઓ માટે કમાણીની યોજના બની રહી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલાં રિપોર્ટ ગુજરાતમાં મનરેગા યોજનામાં ચાલતી ગેરરીતીને ઉજાગર કરી છે. ગુજરાતમાં મનરેગા યોજનામાં નકલી મજૂરોનો સિલસીલો છેક પાંચ વર્ષથી યથાવત રહ્યો છે. વર્ષ 2019-20માં મનરેગા યોજનામાંથી 1,54,654 મજૂરોના નામ રદ કરાયાં હતાં. જ્યારે વર્ષ 2023-24માં આ સંખ્યા વધીને 9,75,944 સુધી પહોંચી ગઇ છે. 

મનરેગામાં મજૂરની નોંધણીને લઈને પ્રશ્નો

હવે સવાલ ઉઠ્યો છે કે, ક્યા આધારે મનરેગામાં મજૂર તરીકે નોંધણી થઈ અને કેટલાં સમય સુધી આ મજૂરને રકમ ચૂકવાઈ. જ્યારે મજૂરની વ્યાખ્યામાં આવતાં ન હોય તેવી વ્યક્તિને મનરેગા યોજનામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે ત્યારે કયા દસ્તાવેજ આધારે મજૂર તરીકે કામ આપવામાં આવ્યુ તે તપાસનો વિષય છે. આ ઉપરાંત મનરેગા માટે જોબકાર્ડ પણ બારોબાર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ જોતાં છેલ્લાં પાંચેક વર્ષમાં જ 7,49,973 જોબકાર્ડ કેન્સલ કરી દેવાયાં છે. આટલી મોટી સંખ્યામાં જોબકાર્ડ કેમ રદ કરી દેવાયાં છે અને 22,68,756 મજૂરોને કેમ મનરેગા યોજનામાંથી દૂર કરાયાં તે મુદ્દે ગુજરાત સરકારે હજુ સુધી ખુલાસો કર્યો નથી.  

આ પણ વાંચોઃ ગુજરાતમાં કુદરતી આફતને કારણે 5 વર્ષમાં 758 લોકોના મોત, 1.90 લાખથી વધુ ઘરને નુકસાન

કેન્દ્ર સરકારના રિપોર્ટ આધારે એ વાત સાબિત થઈ છે કે, લાખો મજૂરોને ચોપડે જ દર્શાવી દેવાયાં છે. 100 દિવસ રોજગારી આપવાનો દેખાડો કરવા મળતિયાઓના નામ બારોબાર મજૂરો તરીકે દર્શાવી દેવાયાં હોવાની પણ આશંકા છે. 

મનરેગામાં રદ કરાયેલા મજૂરોની સંખ્યા

વર્ષરદ કરાયેલા મજૂરોની સંખ્યા
2019-201,54,654
2020-214,35,435
2021-221,47,198
2022-235,59,478
2023-249,75,994