Get The App

ગાંધીનગરમાં મહિલા તબીબને 3 મહિના ડિજિટલ અરેસ્ટ રાખી રૂ. 19.24 કરોડ પડાવ્યા: ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગરમાં મહિલા તબીબને 3 મહિના ડિજિટલ અરેસ્ટ રાખી રૂ. 19.24 કરોડ પડાવ્યા: ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી 1 - image

Image: AI 



Gujarat Digital Arrest Case: ગાંધીનગરના વૃદ્ધ વિધવા મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 19.14 કરોડની ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી વસૂલવામાં આવી છે. કમ્બોડિયાની ગેંગ દ્વારા મહિલા તબીબને સતત ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને એટલે કે, સતત પીછો કરવામાં આવતો હતો. ગાંધીનગરની વૃદ્ધાને ‘તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામા આવ્યા છે અને જે પોસ્ટ કરો છો તે વાંધાજનક હોવાથી ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ કરવામાં આવશે.' કહી પોલીસ અને વકીલ તરીકે ખોટી ઓળખ આપી ધમકી અપાઈ હતી. વૃદ્ધ મહિલા તબીબ એ હદે કમ્બોડિયાની આ ચીટર ગેંગની વાતોથી હદે ડરી ગઈ કે, પોતાની પાસેથી રોકડ આપ્યા પછી દાગીના વેચ્યા, એફ.ડી. તોડી, શેર વેચી અને લોન લઈને પણ આ ટોળકીના કુલ 35 બેન્ક ખાતાંઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. સ્ટેટ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 16 જુલાઈએ ફરિયાદ નોંધ્યા બાદ તપાસ કરી એક કરોડની રકમ સુરતના વલથાણમાં રહેતા લાલજી બલદાણીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાથી તેની ધરપકડ કરી છે. રત્ન કલાકાર લાલજીએ પાચ ટકા કમિશન માટે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગના સાગરિતોને તેનું બેન્ક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું. જેમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહાર થયા હતા. ગુજરાતમાં 19 કરોડની રકમ પડાવાયાનો સૌથી મોટો અને લાંબો સમય ડિજિટલ એરેસ્ટનો દેશનો પ્રથમ કેસ નોંધાયો છે.

શું હતી ઘટના?

ગાંધીનગરના એક વૃદ્ધ ગાયનેકોલોજીસ્ટને ગત 15  માર્ચથી 16 જુલાઈ દરમિયાન કમ્બોડિયાની ઈ-ચીટર ટોળકીએ ફોન ઉપર ધમકીઓ આપી ડિજિટલ એરેસ્ટની મનોસ્થિતિમાં મૂકી દઈને 18.24 પડાવ્યાની ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણીની ફરિયાદ સ્ટેટ સીઆઈડી ક્રાઈમની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવાઈ છે. ગાંધીનગરમાં હોસ્પિટલ ધરાવતા મહિલા તબીબની બન્ને પુત્રી વિદેશમાં સ્થાયી થયાં હોવાથી એકલા રહે છે. ગત માર્ચ મહિનામાં વોટ્સ-એપ કોલ કરી જ્યોતિ વિશ્વનાથ નામના ચીટરે 'તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામાં આવે છે અને તમે જે પોસ્ટ કરો છો તે વાંધાજનક છે. તમારો મોબાઈલ ફોન અપમાનજનક મેસેજ કરતાં હોવાથી બંધ કરાશે, તમે મની લોન્ડરિંગમાં સામેલ છો' તેમ કહીને ડરાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ વોટ્સ-એપ કોલ ઉપર PSI મોહનસિંહ, પબ્લિક પ્રોસિક્યુટર દિપક સૈની, પબ્લિક પ્રોસિક્યુટર વૅક્ટેશ્વર અને નોટરી ઓફિસર પવનકુમાર તરીકે બનાવટી ઓળખ આપવામાં આવી હતી. તમારી સામે ફરિયાદ થશે તેમ કહી આધાર કાર્ડ મેળવ્યા પછી મની લોન્ડરિંગમાં સંડોવણી હોવાની ધમકી આપી ફેમા (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) અને મની લોન્ડરિંગના ગુના નોંધવાનો ખોટો લેટર બનાવી મોકલ્યો હતો. 'કોઈને વાત કરશો નહીં, તમારા ઉપર અમારા માણસોની સિવિલ ડ્રેસમાં સતત નજર છે' તેવી ધમકી પણ સતત આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ બમણી આવકની વાતો વચ્ચે ગુજરાતનાં ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા, રૂ. 1 લાખ 44 હજાર કરોડની લોન લીધી

મની લોન્ડરિંગ કેસની આપી ધમકી

મહિલા ડૉક્ટરને મની લોન્ડરિંગ અને ફેમાના ગુનામાંથી બહાર નીકળવું હોય તો તમામ મિલકતની માહિતી આપવા જણાવ્યું હતું. આ રીતે મિલકતની માહિતી મેળવી લીધા બાદ તેમની એફ.ડી તોડાવી, ઘરમાં રહેલું સોનું વેચાવડાવી, લોકરના સોના ઉપર લોન લેવડાવી અલગ બનાવટી લેટરો ઉપર બેન્ક ખાતાની વિગતો વોટ્સએપ ખાતે મોકલી કુલ 35 બેન્ક ખાતાઓમાં અલગ-અલગ સમયે મળીને કુલ 19 કરોડ, 24 લાખ, 41541 રૂપિયા ભરવામાં આવ્યા હતા. તમામ નાણાંકીય તપાસ પૂરી થતા જ આ પૈસા પરત મળી જશે તેવો વિશ્વાસ અપાવીને બનાવટી રસિદો પણ મોકલવામાં આવી હતી. ત્રણ-ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટની સ્થિતિમાં રહીને 19.24 કરોડ રૂપિયા ગુમાવી ચુકેલી મિહલાએ આખરે એક સંબંધીને વાત કરી હતી. આ સંબંધીએ આ પ્રકારે ડિજિટલ અરેસ્ટ કરી ફ્રોડ કરવામાં આવતું હોવાનું જણાવતાં આખરે સ્ટેટ સીઆઈડી ક્રાઇમના સાયબર સેલમાં 16 જુલાઈએ વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

સીઆઈડી ક્રાઇમ, સાયબર સેલના આરોપી ધર્મેન્દ્ર શર્માને જાણવા મળ્યું હતું કે, એક કરોડની રકમ સુરતની ઈન્ડસઈન્ડ બેન્કમાં મુરલીધર મેન્યુફેક્ચરિંગ નામે રજીસ્ટર્ડ કરંડ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. આ નાણાં અલગ-અલગ એકાઉન્ટથી ક્રિપ્ટો બ્લોક ચેઇનમાં મોકલી અપાયા હતા. જેના આધારે પોલીસે એક ટીમ સુરત મોકલીને વલથાણમાં આવેલા સર્જન રૉ હાઉસમાં રહેતા લાલજી બલદાણીયાની ધરપકડ કરી હતી. લાલજી બલદાણીયા રત્નકલાકાર તરીકે કામ કરતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સાયબર ફ્રોડ કરતી ગેંગના માણસોએ તેના બેન્ક એકાઉન્ટમાં જમા થતા નાણાં પર ત્રણથી પાંચ ટકા જેટલા કમિશનની લાલચ આપી હતી અને તેણે એક કરોડની રકમ નોઇડા સ્થિત ગેંગ પાસે ટ્રાન્સફર કરાવી હતી. આ ઉપરાંત, પણ તેના બેન્ક એકાઉન્ટમાં ખૂબ મોટા પ્રમાણમાં નાણાંની હેરફેર કરવામાં આવી હતી. નોઇડા સ્થિત ગેંગ કંબોડિયામાં સક્રિય ચાઇનીઝ ગેંગ માટે ભારતમાં કામ કરતી હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. 

ત્રણ વર્ષમાં ડિજિટલ એરેસ્ટમાં 2155 કરોડ લૂંટયા

સંસદમાં કેન્દ્ર સરકારે આપલી માહિતી અનુસાર, ત્રણ વર્ષમાં દેશની પ્રજાને ડિજિટલ એરેસ્ટ કરી 2154.72 કરોડની  છેતરપિંડી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. વર્ષ 2024માં દેશમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સામાં દેશની પ્રજા પાસેથી 1935.51 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025 એમ બે મહિનામાં બીજા 17,715 કેસ નોંધાયા છે, જેમાં પ્રજા સાથે 210.21 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. વર્ષ 2023માં 339 કરોડ અને 2022માં 91.14 કરોડની છેતરપિંડી થઈ છે. નોંધનીય છે કે, સરકરે ડિજિટલ એરેસ્ટ અને અન્ય સાયબર ફ્રોડ માટે શરૂ કેલા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલના આધારે આ આંકડાઓ લોકસભામાં એક સવાલના જવાબમાં જાહેર કર્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ધો.3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા, જાણો નવી તારીખ

ડિજિટલ અરેસ્ટનો દેશનો સૌથી મોટો કિસ્સો

ડિજિટલ અરેસ્ટ કરી મુંબઈના વૃદ્ધા પાસેથી 20.26 કરોડ પડાવાયા હતા તે દેશનો સૌથી મોટો કિસ્સો છે. દક્ષિણ-મુંબઈના 86 વર્ષના વૃદ્ધાને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી ગાંધીનગરના મહિલા ડૉક્ટરની માફક જ એકાઉન્ટ્સ વેરિફાઈ કરવાના બહાને માર્ચ-2025થી બે મહિના દરમિયાન 20.26 કરોડ પડાવાયા હતા. આ કેસમાં પણ પૈસા જેમના ખાતામાં ગયાં હતા તેવા મુંબઈના ત્રણ યુવકો પકડાયા હતા અને કમ્બોડિયાની ગેંગનું નામ ખુલ્યું હતું.

કમ્બોડિયામાં 5000 કોલ સેન્ટરથી ગેંગ જાળ રચે છે

સીઆઈડી ક્રાઈમના કહેવા મુજબ, આ પ્રકારના સાયબર ફ્રોડનું મુખ્ય કેન્દ્ર કમ્બોડિયા છે. ફ્રોડ ટોળકીઓ 5000 કોલ સેન્ટર ચલાવીને ભારત સહિતના દેશોમાં ખાસ કરીને વૃદ્ધોને છેતરવા જાળ રચે છે. ફસાયેલાં વૃદ્ધોના નાણાં ભાડે મેળવેલાં ભારતીય બેન્ક ખાતાંમાં મેળવી ક્રિપ્ટો બ્લોક ચેઇનથી વિદેશમાં ટ્રાન્સફર કરાય છે.

સતત ત્રણ મહિના સુધી નાણાંકીય વ્યવહાર થયા હોવાથી નાણાં રિકવર કરવા અશક્ય

સામાન્ય રીતે કોઈ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને અને ગણતરીના કલાકોમાં પોલીસને કે સાયબર હેલ્પ લાઈન 1930 પર કોલ કરે તો પોલીસ નાણાંકીય લેવડ-દેવડને ટ્રેક કરીને છેતરપિંડીના નાણાં બચાવી શકે છે. પરંતુ, ગુજરાતના સૌથી મોટા ડીજીટલ એરેસ્ટના કેસમાં ત્રણ મહિનાનો સમયગાળો હોવાથી ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા ક્રિપ્ટો બ્લોક ચેઇનમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. ત્યારે પોલીસ આ ગેંગના ભારતમાં સક્રિય નેટવર્ક સુધી પહોંચી શકે તેમ છે. પરંતુ, નાણાંની રિકવરી કરવી અશક્ય છે.

Tags :