બમણી આવકની વાતો વચ્ચે ગુજરાતના ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા, રૂ. 1 લાખ 44 હજાર કરોડની લોન લીધી
Gujarat Farmers: 'સમૃદ્ધ ખેડૂત-સમૃદ્ધ ગુજરાત'ના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં ખેડૂતોની આવક બમણી થશે, તેવું રાજ્ય અને કેન્દ્ર સરકાર ડિંગો હાંકી રહી છે, ત્યારે ખેતી બચાવવા ખેડૂતો દેવું કરવા મજબૂર બન્યા છે. ખુદ કેન્દ્ર સરકારે જ ઘટસ્ફોટ કર્યો છે કે, ગુજરાતમાં ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 1,44,330 કરોડ રૂપિયાની બૅન્ક લોન લીધી છે. આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈ છે કે, જગતનો તાત દેવાના ડુંગર તળે દબાઈ રહ્યો છે.
છેલ્લા 5 વર્ષમાં લોનમાં રૂ. 47,હજાર કરોડથી વધુનો વધારો
ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે બેહાલ થયા છે કેમ કે, હવે ખેતી કરવી મોંઘી બની છે. ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેતમજૂરીના ભાવો વધ્યા છે. સિઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય તે બજાર કે એપીએમસીમાં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ સુદ્ધાં મળતા નથી. ખેડૂતોની એવી દશા છે કે, ખેતી ખાતર બચાવવા બૅન્કો પાસેથી લોન લેવી પડે છે. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે, ખેતીનો ખર્ચ વધ્યો છે, પરંતુ ખેત ઉત્પાદનના ભાવ વધ્યા નથી. તેમાંય ચોમાસામાં ભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકશાન થાય તે અલગ.
આ પણ વાંચો: ગુજરાતમાં ધો.3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા, જાણો નવી તારીખ
લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, બમણી આવકની ડિંગો હાંકવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં 55 લાખ ખેડૂતોએ બૅન્ક લોન લીધી છે. વર્ષ 2025-26માં ખેડૂતોએ કુલ 1.44,330 કરોડ રૂપિયાની લોન મેળવી છે. વર્ષ 2020-21માં ગુજરાતી ખેડૂતોની બૅન્ક લોન 96,963 કરોડ રૂપિયા હતી તે વર્ષ 2025-26માં વધીને 1,44, 330 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. પાંચ વર્ષમાં ખેડૂતોની બૅન્ક લોનમાં 47,367 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો હતો. ટૂંકમાં ગુજરાતના ખેડૂતોની બૅન્ક લોનનો આંકડો વધતો જ જાય છે. કેન્દ્ર સરકારના મતે પ્રત્યેક ખેડૂતના માથે 56 હજાર રૂપિયાનું દેવું છે. મહત્ત્વની વાત એ છે કે, ખેડૂતો માટે અનેક કૃષિલક્ષી યોજનાઓ અમલમાં છે, તેમ છતાંય ખેડૂતોની સ્થિતિમાં સુધારો થઈ શક્યો નથી. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર ભલે દાવો કરે પણ કડવી વાસ્તવિકતા છે કે, ખેડૂતો દેવાદાર બન્યા છે.