ખેડામાં તલાટીની ગેરવર્તણૂકઃ આકરણીના પ્રશ્ન માટે પહોંચેલા અરજદાર સાથે કરી ઉદ્ધતાઈ
Kheda Talati Misbehaviour: રાજ્યમાં ઘણીવાર સરકારી અધિકારીઓ દ્વારા સામાન્ય નાગરિકોને પોતાના કામ માટે ધરમધક્કા ખવડાવતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ ખેડામાંથી સામે આવ્યો છે. કપડવંજના લાલ માંડવા ગામમાં આકારણીને લઈને રજૂઆત કરવા ગયેલા અરજદાર સાથે એક મહિલા તલાટીએ ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કર્યું હતું, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠાનાં થરામાં બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, લાલ માંડવા ગામના એક અરજદાર આકારણીના પ્રશ્નને લઈને મહિલા તલાટી નમ્રતાબેન મહાવીર પાસે ગયા હતા. આ સમયે તલાટીનું વર્તન જાણે સત્તાનો નશો માથે ચડ્યો હોય તેવું જોવા મળ્યું હતું. તેમણે અરજદારના પ્રશ્નનો ઉકેલ આપવાને બદલે તેમની સાથે ગેરવર્તણૂક કરી.
વીડિયોમાં જોવા મળેલી ગેરવર્તણૂક
વીડિયોમાં જોઈ શકાય છે કે, અરજદાર કોઈ અન્ય મહિલાને સાથે લઈને તલાટી પાસે જાય છે. જ્યારે તે મહિલા તલાટીને આકારણી અંગે પ્રશ્ન પૂછે છે, ત્યારે તલાટી રોષે ભરાઈને કહે છે, 'હું તમને બે દિવસનો સમય આપું છું, પુરાવો લઈને આવો. તમે કોઈને સાથે લઈને ન આવશો, તમારે મારી સાથે વાત કરવાની છે. તમે જેને લઈને આવો છો શું એ બહેન તમને આકારણી આપશે કે હું? બે દિવસનો સમય આપું છું, તમે ગમે ત્યાંથી પુરાવો લઈને આવો. હું અરજદારને ઓળખું છું, સાથે આવેલા બહેનને નહીં. તમે અરજદાર છો ને? તો હું તમને બે દિવસનો સમય આપું છું, ગમે ત્યાંથી પુરાવા શોધી લાવો.'
તલાટીના આ વ્યવહાર બાદ અરજદારની સાથે આવેલી મહિલા તલાટીને પૂછે છે કે, 'એ ક્યાંથી યોગ્ય પુરાવા લઈને આવશે? તમારે ચકાસણી માટે આવવું જોઈએ...' ત્યારે મહિલા તલાટી વધુ ગુસ્સે થઈને ઊંચા અવાજે યોગ્ય પુરાવા વિના અત્યારે કોઈ કામ નહીં થાય તેવું જણાવી દે છે.