Get The App

'તમારા વાંકે નિર્દોષ મરતા જાય છે પણ...' ગુજરાત હાઈકોર્ટે પોલીસ-કોર્પોરેશનનો ઉધડો લીધો

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
'તમારા વાંકે નિર્દોષ મરતા જાય છે પણ...' ગુજરાત હાઈકોર્ટે પોલીસ-કોર્પોરેશનનો ઉધડો લીધો 1 - image


Gujarat High Court: જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં જૂનાગઢ મહાનગર પાલિકાના જેસીબી દ્વારા થઈ રહેલા ખોદકામ દરમિયાન ગેસ પાઇપ લાઇન ફાટતાં લાગેલી ભયંકર આગમાં ત્રણ સ્થાનિકોના ગંભીર રીતે દાઝી જવાથી કરૂણ મોત નિપજયા હતા. આ કેસમાં એક આરોપીએ હાઇકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ દિવ્યેશ એ. જોષીએ જૂનાગઢ પોલીસ, મહાનગર પાલિકાના ઉચ્ચ સત્તાવાળાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો જોરદાર રીતે ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે એક તબક્કે બહુ ગંભીર માર્મિક ટકોર કરી હતી કે, સિસ્ટમ સુધરતી નથી અને તમારા વાંકે નિર્દોષ માણસો મરતા જાય છે..? આવી પરિસ્થિતિ આખા રાજ્યમાં છે. તમારા ઘરમાંથી કોઈ ગુજરી જશે ત્યારે દોડશો ? મૃતકના પરિજનોને વળતર આપી દીધું એટલે બધું પૂરુ? 

આ પણ વાંચોઃ નવરાત્રિમાં પેટ્રોલિંગ વધારવા બોપલ પોલીસની પહેલ, 15 નવી બાઇક બેડામાં સામેલ

નિર્દોષ માણસો મરે તો મરે, દોષિતોને દંડ લઇને છોડી દેવાના?

હાઇકોર્ટે આ સમગ્ર મામલે જૂનાગઢ ડીવાયએસપીને ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરવા અને કેસની તપાસનો રિપોર્ટ ફાઇલ કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી ઓકટોબર માસમાં રાખી હતી. આ સમગ્ર પ્રકરણમાં જૂનાગઢ મહાનગરપાલિકાના બેજવાબદાર અધિકારીઓ કે અન્ય કોઈ સરકારી  કર્મચારી વિરૂદ્ધ ગુનો નહીં નોંધાતાં હાઇકોર્ટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો અને જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોને સારી પેઠે ઝાટકતાં જણાવ્યું કે, આટલા ગંભીર કેસમાં હજુ સુધી એક જ આરોપી બનાવાયો છે, ફરિયાદને ચાર મહિના થઈ ગયા, તો બીજા આરોપીઓ કયાં છે? શું જૂનાગઢ મનપાના જવાબદાર અધિકારીઓને આરોપી બનાવ્યા છે.? ચાર મહિનાથી પોલીસ શું કરે છે? દોષિતોને કેમ પકડતા નથી? આગમાં ત્રણ નિર્દોષ નાગરિકો દાઝીને મોતને ભેટયા આ ઘટના આટલી ગંભીર છે છતાં હજુ જૂનાગઢ મનપાના જવાબદાર અધિકારીઓ નોકરીમાં ચાલુ છે તે સૌથી મોટો સવાલ છે. પોલીસ પાસે તપાસના બધા જ કાગળો છે પરંતુ તે પગલાં કેમ લેતી નથી? 

આ પણ વાંચોઃ AMCનું નવું તિકડમ, અમદાવાદમાં પાળતુ કૂતરામાં હવે RFID ચિપ લગાવાશે, જાણો તેનાથી શું થશે?

હાઇકોર્ટે આક્રમક મિજાજમાં જણાવ્યું કે, સમગ્ર રાજયમાં કંઇક આ જ પ્રકારની સ્થિતિ છે. નિર્દોષ માણસો સિસ્ટમના વાંકે મરતા જાય છે અને સિસ્ટમ સુધરવાનું નામ નથી લેતી. ખરેખર તો ગુનો આચરનાર ગુનેગારોને પોલીસનો ડર લાગવો જોઇએ પરંતુ અહીં તો ઉલ્ટુ છે. મૃતકના પરિવારજનોને વળતર આપી દીઘુ એટલે પૂરું બસ. તમારા ઘરમાંથી કોઈ ગુજરી જશે ત્યારે ખબર પડશે કે તેની વેદના કેટલી અસહ્ય અને આઘાતજનક હોય છે. 

ડીવાયએસપી યોગ્ય તપાસ કરે નહીં તો હાઇકોર્ટ પગલાં લેશે

જસ્ટિસ દિવ્યેશ એ.જોષીએ જૂનાગઢમાં ગેસ પાઇપલાઇન ફાટવાથી લાગેલી આગમાં ત્રણ નિર્દોષ નાગિરકોના મોતની ઘટનાના કેસમાં જૂનાગઢ ડીવાયએસપીને તપાસ કરવા નિર્દેશ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ મામલે ડીવાયએસપી જાતે તપાસ કરે અને સાચા ગુનેગારોને પકડે, નહીંતર હાઇકોર્ટ તેની રીતે પગલાં લેશે. રાજયમાં ગુનેગારોની કેવી મોડેસ ઓપરેન્ડી હોય છે, તે અદાલતને ખબર હોય છે. હકીકતમાં સત્તાવાળાઓ જ એક રીતે ગુનેગારોને ખાતરી આપે છે કે, તેમને કશું નહી થાય.

Tags :