AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન, જાણો શું રાખી શરત
AAP MLA Chaitar Vasva News : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે રાહત આપતાં ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપી દીધા છે. તેમને હવે જેલથી મુક્ત કરાશે. ઉલ્લેખનીય છે કે એટીવીટી બેઠકમાં મારામારીના કેસમાં તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. તેમને જામીન આપતાં ગુજરાત હાઈકોર્ટે શરત રાખી હતી કે તેઓ હવે ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે.
આ પણ વાંચોઃ પહેલા નોરતે જ ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતામાં વધારો
ક્યારે થશે મુક્ત?
નોંધનીય છે કે, ચૈતર વસાવા ઘણા સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ હતા. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ, વસાવાને સોમવારે (22 સપ્ટેમ્બર) સાંજે અથવા મંગળવારે (23 સપ્ટેમ્બર) સવારે મુક્ત કરવામાં આવશે. અગાઉ, કોર્ટે તેમને ચોમાસા સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના પેરોલ મંજૂર કર્યા હતા.
કોર્ટે આપી શરતી જામીન
ચૈતર વસાવા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. વસાવાની નર્મદા પોલીસે 5 જુલાઈએ ધરપકડ કરી હતી. લગભગ અઢી મહિના જેલમાં રહ્યા બાદ વસાવાને જામીન મળ્યા છે. પોલીસે નીચલી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા. હાઇકોર્ટે કેટલીક શરતો સાથે વસાવાને જામીન આપ્યા હતા. મુખ્ય શરત એ છે કે તેઓ આગામી એક વર્ષ સુધી તેમના મતવિસ્તારની મુલાકાત લઈ શકશે નહીં. આ વસાવા માટે મોટો ઝટકો છે.
આ પણ વાંચોઃ પંચામૃત ડેરીના ચેરમેન પદે સતત પાંચમીવાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી
શું હતો સમગ્ર મામલો?
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પાંચમી જુલાઈએ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં હતા. વચ્ચે ફક્ત વિધાનસભાના સત્રમાં હાજરી આપવા પૂરતી તેમને જામીન આપવામાં આવી હતી.