પહેલા નોરતે જ ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતામાં વધારો
Rain in Rajula-Bhavnagar : આજથી શારદીય નવરાત્રિનો પવિત્ર પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ પણ વરસાદી માહોલ જમાવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેને કારણે ખેલૈયાઓ અને ગરબાના આયોજકોની ચિંતામાં વધારો થયો છે.
ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ
ભાવનગર શહેરમાં વહેલી સવારે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજુલા શહેર સહિત હિન્ડોરણા, છતડિયા, કડિયારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે રાજુલા શહેરમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
રાજ્યના 66 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 66 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં 2 ઈંચ જેટલો નોંધાયો છે. આ ઉપરાંત, ભાવનગર શહેરમાં 1.93 ઈંચ, વલસાડના પારડી, અમરેલીના રાજુલા અને ભરૂચના હાંસોટમાં 1.50 ઈંચ, જ્યારે અમરેલીના જાફરાબાદ અને નવસારીમાં 1.47 ઈંચ વરસાદ નોંધાયો છે.
આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગે પહેલા નોરતાના દિવસે જ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, વરસાદી ઝાપટાં પડ્યા છે.
નવરાત્રિના પ્રારંભે જ વરસાદનું વિઘ્ન આવતા ખેલૈયાઓમાં નિરાશા છવાઈ છે. ગરબાના આયોજકો પણ હવે વરસાદી માહોલને કારણે ચિંતામાં મુકાયા છે, કારણ કે તેમના આયોજનો પર પાણી ફરી વળવાની શક્યતા છે. જોકે, વરસાદી માહોલને કારણે ગરમી અને ઉકળાટથી રાહત મળી છે, જે એક હકારાત્મક બાબત છે.