પંચામૃત ડેરીના ચેરમેન પદે સતત પાંચમીવાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી
Panchmahal News: પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના બે લાખથી વધુ પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સતત પાંચમી ટર્મ માટે જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે ડેરીના ડિરેક્ટરો અને અધિકારીઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી.
ડેરીના ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોની હાજરીમાં આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જેઠાભાઈ ભરવાડના નામનો એકમાત્ર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ન ભરાતા, તેમની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
વર્ષ 2009થી પંચમહાલ ડેરીમાં ચેરમેન પદે ચૂંટાઈ આવતા જેઠાભાઈ ભરવાડની સતત પાંચ ટર્મ માટે પસંદગી થઈ છે. તેઓ નાફેડના ચેરમેન, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. તેમની વરણીને પગલે ડેરીના ડિરેક્ટરોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના નેતૃત્વ હેઠળ ડેરી વધુ પ્રગતિ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જેઠાભાઈ ભરવાડે ડેરીના ડિરેક્ટરો અને પશુપાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ હંમેશા પશુપાલકોના હિતમાં કામ કરતા રહેશે અને ડેરીને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કરશે.