Get The App

ગુજરાતમાં મેઘો મહેરબાન, ભારે વરસાદને પગલે 4 જિલ્લા અંગે તંત્રનો મોટો નિર્ણય, રસ્તાઓ પણ ઠપ

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં મેઘો મહેરબાન, ભારે વરસાદને પગલે 4 જિલ્લા અંગે તંત્રનો મોટો નિર્ણય, રસ્તાઓ પણ ઠપ 1 - image


Gujarat Weather : હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. પશ્ચિમમાં સક્રિય થયેલ ડિપ્રેશન અને મોનસુન ટ્રફના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. આ વરસાદી માહોલ આગામી સાત દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે. ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને જોતા બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા અને ખેડા સહિતના જિલ્લાના કેટલાક તાલુકાઓમાં શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ કચ્છમાં માર્ગો પર પાણી ફરી વળતાં અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચો: VIDEO: કચ્છમાં મૂશળધાર 15 ઈંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કોલેજો બંધ, જનજીવન ઠપ

શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ભારે વરસાદના અને પૂરની સ્થિતિને કારણે બનાસકાંઠા, કચ્છ, ખેડા અને સાબરકાંઠાની શાળા, કોલેજ અને આંગણવાડીઓમાં 08/09/2025 સોમવારના રોજ રજા જાહેર કરાઈ છે.

સાબરકાંઠાના ત્રણ તાલુકામાં રજા જાહેર

સાવચેતીના ભાગરૂપે ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના સુઇગામમાં 16 ઈંચ તો કચ્છના રાપરમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, આજે શાળા-કોલેજો બંધ

ખેડૂતો ચિંતિત, પાકને વ્યાપક નુકસાન

સૌથી વધુ અસર બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. બનાસકાંઠાના થરાદમાં જળબંબાકારની સ્થિતિ છે, જ્યારે સુઈગામ તાલુકાના ભરડવા ગામે પાણી ઘૂસી જતાં ગામ સંપર્ક વિહોણું બન્યું છે. મુશળધાર વરસાદથી થરાદ પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા છે, જેના કારણે ખરીફ અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છે.

કચ્છમાં વાહનવ્યવહાર ખોરવાયો

કચ્છના રાપરમાં પણ બારે મેઘ ખાંગા થતા ચારેબાજુ પાણી ભરાયા છે. ભચાઉ-રાપર માર્ગ પર મેઘપર પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળતા વાહનવ્યવહાર અટકી ગયો છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે છ જેટલા મહત્વના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં ત્રંબો જેસડા રવ રવેચી રોડ, ભચાઉ રામવાવ રાપર રોડ, સુવઈ ગવરીપર રોડ, વામકા લખાવટ કરમરિયા રોડ, સતાપર અજાપર મોડવદર મીઠી-રોહર રોડ અને તુગા જૂણા રોડનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ રસ્તાઓ પર અવર-જવર ન કરવા અપીલ કરવામાં આવી છે.

9 સપ્ટેમ્બરની આગાહી

રાજ્યમાં 9 સપ્ટેમ્બરથી મેઘરાજા વિરામના મૂડમાં હોય તેવુ લાગી રહ્યું છે, ત્યારે આ દિવસથી વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. જેમાં કચ્છ અને વલસાડ ફક્ત 2 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 


Tags :