VIDEO: કચ્છમાં મુશળધાર 15 ઇંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કૉલેજો બંધ, જનજીવન ઠપ
Rain in Kutch: ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલથી રાપરમાં અત્યાર સુધીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભચાઉ અને નખત્રાણા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. કલેકટર અને DDOની સૂચના મુજબ અતિભારે વરસાદના કારણે સોમવારે (આઠમી સપ્ટેમ્બર) કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે અને બાળકો માટે રજા જાહેર કરવામાં આવી છે.
રાપરમાં 12.48 ઇંચ ખાબક્યો
કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઇંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ત્યારબાદ આજે સવારના 4 કલાકમાં ફરી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શાળા-કૉલેજો અને અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. અંજારનો ટપ્પર ડેમ 80 ટકા પાણીથી ભરાઈ જતાં પશુડા તથા આસપાસના ગામોને ઍલર્ટ કરાયા છે.
ભૂજના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભૂજના જ્યુબલી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે, તો અનેક માર્ગો પરથી પાણી વહી રહ્યા છે. શહેરનું હૃદય સમાન હંમેશા તળાવ ઓવરફ્લો થવાને માત્ર બેથી ત્રણ ફૂટ દૂર રહેવા પામ્યું છે. બીજી તરફ ભૂજમાં વહેલી સવારથી વીજ પ્રવાહ ખોરવાયો છે.
નીચાણવાળા ગામોને ઍલર્ટ કરાયા
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે અંજાર તાલુકાનું ટપ્પર જળાશય 90 ટકા ભરાતા પશુડા, ટપ્પર, ભીમાસર, ચીરઈ નાની અને ચીરઈ મોટી સહિતનાં નીચાણવાળા ગામોને ઍલર્ટ કરાયા છે. જ્યારે નખત્રાણાનો મથલ જળાશય 90 ટકા ભરાયો છે. જેના લીધે ફૂલાય, મુરૂ, ઝીંઝાય, ધામાય અને દેશલપર(ગુંથલી) સહિતના ગામોને ઍલર્ટ કરાયા છે. આ ઉપરાંત જિલ્લામાં સરકારી બસના કુલ 10 રૂટ બંધ કરાયા છે.
આ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. રાપર તાલુકાના ત્રંબો જેસડા રવ રવેચી રોડ, ભચાઉ રામવાવ રાપર રોડ, સુવઈ ગવરીપર રોડ, ભચાઉ તાલુકના વામકા લખાવટ કરમરિયા રોડ, ગાંધીધામ તાલુકાના સતાપર અજાપર મોડવદર મીઠી-રોહર રોડ અને ભુજના તુગા જૂણા રોડ બંધ કરાયો છે.