Get The App

ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની બીમારીનો શિકાર, ગત વર્ષ કરતાં કેસમાં ચિંતાજનક વધારો

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
Gujarat Heart Disease Rate


Gujarat Heart Disease Rate: ગુજરાતમાં હૃદય સંબધિત સમસ્યાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે જ ગુજરાતમાં હૃદય સંબધિત સમસ્યાના 60 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી સૌથી વધુ 17174 કેસ માત્ર અમદાવાદમાંથી સામે આવ્યા છે. ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓમાં 18% જેટલો વધારો થયો છે, જેના પરથી જ ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે.

ગત વર્ષ કરતાં કેસમાં 18%નો ચિંતાજનક વધારો

ગુજરાતમાં આ વર્ષે 1 જાન્યુઆરીથી 18 ઓગસ્ટ સુધી હૃદય સંબધિત સમસ્યાના 59,931 કેસ સામે આવ્યા છે. ગયા વર્ષે આ સમયગાળામાં હૃદય સંબંધિત સમસ્યાના 51,453 કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિએ સમગ્ર રાજ્યમાંથી પ્રતિદિવસે સરેરાશ 262 જ્યારે પ્રતિ કલાકે 10 વ્યક્તિને ઈમરજન્સી સેવા '108'દ્વારા હૃદયની સમસ્યાને કારણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા છે. 

ગુજરાતમાં નોંધાતા હૃદય સંબધિત સમસ્યાના 30% કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા

ગયા વર્ષે અમદાવાદમાં આ સમયગાળામાં હૃદયની સમસ્યાના 15,247 કેસ નોંધાયા હતા, જે આ વખતે વધીને 17,174 થઈ ગયા છે. આમ, અમદાવાદમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ 75 વ્યક્તિને હૃદયની સમસ્યાને કારણે '108'ની મદદ લેવી પડે છે. અમદાવાદની અસારવા સિવિલના પરિસરમાં આવેલી હૃદયની હોસ્પિટલની ઓપીડીમાં 2,32,959 જ્યારે આઇપીડીમાં 31,191 દર્દી અત્યારસુધી નોંધાઈ ચૂક્યા છે. જેની સરખામણીએ ગત સમગ્ર વર્ષ દરમિયાન ઓપીડીમાં 3,63,315 જ્યારે આઈપીડીમાં 50,077 દર્દી નોંધાયા હતા. 

આ પણ વાંચો: ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો, દેશમાં ચોથા સ્થાને રહ્યું

જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લામાં સુરત 4957 સાથે બીજા, રાજકોટ 3752 સાથે ત્રીજા, ભાવનગર 3144 સાથે ચોથા અને વડોદરા 3158 સાથે પાંચમાં સ્થાને છે. સૌથી ઓછા 367 કેસ ડાંગમાંથી નોંધાયા છે.

ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની બીમારીનો શિકાર, ગત વર્ષ કરતાં કેસમાં ચિંતાજનક વધારો 2 - image

Tags :