Get The App

'શહેરમાં ચોમાસા પહેલા કેમ રોડ-રસ્તા રિપેર ન કર્યા...' ગુજરાત હાઈકોર્ટે AMCને કર્યા ધારદાર સવાલ

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
'શહેરમાં ચોમાસા પહેલા કેમ રોડ-રસ્તા રિપેર ન કર્યા...' ગુજરાત હાઈકોર્ટે AMCને કર્યા ધારદાર સવાલ 1 - image


Gujarat HC Slams AMC: અમદાવાદ શહેરના ટ્રાફિક નિયમન, અકસ્માતો ઘટાડવા અને રસ્તાઓના ઇન્ફ્રાસ્ટ્રકચર મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સવાલ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, શહેરમાં ચોમાસા દરમિયાન પણ ખાડાઓ ખોદાયેલા જોવા મળી રહ્યા છે, તો ચોમાસા પહેલા કેમ રોડ-રસ્તા રિપેર ના કર્યા...? AMCએ લૂલો બચાવ કર્યો હતો કે, શહેરમાં રોડ-રસ્તાઓનું કામ સતત ચાલતુ જ રહે છે અને ખાસ તો ટ્રાફિક વધુ પડતો રહેવાના કારણે ઘણીવાર ખાડાઓ પડી જતા હોય છે.

આ પણ વાંચોઃ ખાનગી હોસ્પિટલે દવા, ઈમ્પ્લાન્ટ્સ સ્ટેન્ટના વેચાણ પર ટેક્સ ચૂકવવો પડશે: ગુજરાત હાઈકોર્ટ

AMCના મોટા-મોટા દાવા

AMC તરફથી શહેરના રોડ-રસ્તાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા શું પગલા લેવાયા તે સહિતની માહિતી પણ કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કબૂલ્યુ હતું કે, અમદાવાદના 29 જેટલા જંક્શનમાં સુધારો કરવાની જરૂરિયાત જણાઇ રહી છે, તે પૈકીના 15 જંકશન સુધારી દેવાયા છે. વળી, જયાં રાહદારીઓની સંખ્યા વધુ જણાય તેવા સ્થળોને પણ અલગ તારવવામાં આવ્યા છે. વધુમાં AMCએ જણાવ્યું કે, રોંગ સાઇડ ડ્રાઇવ ટાળવા રોડ વચ્ચે ડિવાઇડરમાં કટ બંધ કરાયા છે. આ સિવાય શહેરમાં 9 જેટલા આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યા છે, તે પૈકી એક રોડ એરપોર્ટથી ગાંધીનગરનો છે. જયાં રાહદારીઓની વધુ પ્રમાણમાં અવરજવર નોંધાઈ છે, તેવા 9 રોડ પર 9 ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. એક કેમ્પ હનુમાનજી મંદિર પાસે અને બીજો શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જંકશન પર બનવાનો છે.

આ પણ વાંચોઃ નાપાસ થવાના ડરથી ભાગી ગયેલી અમદાવાદની ધોરણ 10ની બે વિદ્યાર્થિની મુંબઈથી મળી

હાઇકોર્ટે કરી ટકોર

કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી આવી મોટી મોટી વાતો અને દાવાઓ વચ્ચે હાઇકોર્ટે AMCને ટકોર કરી હતી કે, તમારે (AMC સત્તાવાળાઓએ) આગામી પાંચથી દસ વર્ષના પ્લાનિંગ પર પણ ફોકસ રાખવું જોઇએ. જોકે, AMC તરફથી જણાવાયું કે, રોડ રસ્તાઓ માટે AMC પાસે 1200 કરોડનું બજેટ છે અને લગભગ 550 કિલોમીટરના નવા રોડ અને રસ્તાઓ પહોળા કરવાનું આયોજન છે.

Tags :