ખાનગી હોસ્પિટલે દવા, ઈમ્પ્લાન્ટ્સ સ્ટેન્ટના વેચાણ પર ટેક્સ ચૂકવવો પડશે: ગુજરાત હાઈકોર્ટ
Gujarat High Court: ખાનગી આરોગ્યસંભાળ ક્ષેત્રને લઈને ગુજરાત હાઈકોર્ટ મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, 'ખાનગી હોસ્પિટલો દ્વારા ઈન્ડોર દર્દીઓને પૂરી પાડવામાં આવતા દવાઓ, ઈમ્પ્લાન્ટ્સ, પ્રોસ્થેટીક્સ, સ્ટેન્ટ્સ અને અન્ય ઉપભોગ્ય વસ્તુઓનું વેચાણ એ કરને પાત્ર છે અને રાજ્ય વેટ સત્તાવાળાઓને તે કર વસૂલવાનો અધિકાર છે.'
ખાનગી હોસ્પિટલોને 1000 કરોડ રૂપિયાનો કર ભરવો પડે તેવી શક્યતા
જસ્ટિસ ભાર્ગવ ડી. કારીયા અને જસ્ટિસ ડી.એન.રેની ખંડપીઠે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, 'મેડિકલ સર્વિસના નામે હોસ્પિટલો રાજ્ય સત્તાવાળાઓને કરની ચૂકવણીની જવાબદારીમાંથી છટકી શકે નહી.' ગુજરાત હાઇકોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદાને પગલે ખાનગી હોસ્પિટલોએ આશરે એક હજાર કરોડ રૂપિયાથી પણ વધુનો કર (પહેલા વેટ હતો, હવે જીએસટી) સરકારને ચૂકવવો પડશે.
ખાનગી હોસ્પિટલો દ્વારા ઈન્ડોર દર્દીઓને પૂરી પાડવામાં આવતા દવાઓ, ઇમ્પ્લાન્ટ્સ, પ્રોસ્થેટીક્સ, સ્ટેન્ટ્સ અને અન્ય ઉપભોગ્ય વસ્તુઆ પર વેટ(કર) લાદવાના નિર્ણયને અને ગુજરાત મૂલ્યવર્ધિત કર અધિનિયમ 2003ની સંબંધિત જોગાઈઓને પડકારતી જાણીતી મોટી હોસ્પિટલો સ્ટર્લિંગ હોસ્પિટલ, બેંકર્સ કાર્ડિયોલોજી, શેલ્બી, સીમ્સ્ (સીઆઇએમએસ) અને વોકાર્ડથાડ સહિતની વિવિધ હોસ્પિટલો દ્વારા કરાયેલી રિટ અરજીઓ ફગાવતાં ગુજરાત હાઈકોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.
જાણો શું છે મામલો
ખાનગી હોસ્પિટલો તરફથી એવો મુદ્દો ઉપસ્થિત કરાયો હતો કે, ઈન્ડોર દર્દીઓને આપવામાં આવતી આરોગ્યસંભાળ સેવા એ સમન્વિત તબીબી સેવા છે અને તે વર્કસ કોન્ટ્રાકટના દાયરામાં આવતુ નથી, તેથી તેને કરવેરાના હેતુ માટે તેને વેચાણ તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં. જો કે, હોસ્પિટલોની અરજીઓનો વિરોધ કરતાં ગુજરાત સરકાર તરફથી જણાવાયું હતું કે, 'બંધારણના 46મા સુધારા પછી ખાનગી હોસ્પિટલો દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્યસંભાળ સેવાઓ ગુજરાત વેટ કાયદાની કલમ-2(23) સાથે વાંચતા બંધારણની કલમ-366(29એ) હેઠળ વર્કસ કોન્ટ્રાક્ટની વ્યાખ્યામાં આવે છે. વળી સાાવાળાઓ દ્વારા આ કર સમગ્ર તબીબી સેવા પર નહીં, પરંતુ માત્ર સારવાર દરમિયાન સંકળાયેલ અને ઉપયોગમાં લેવાતી દવાઓ ઈમ્પ્લાનટ્સ સહિતની સંબંધિત મેડિકલ ચીજવસ્તુઓ પર લાદવામાં આવી રહ્યો છે. બંધારણમાં થયેલા 46મા સુધારાની પૃષ્ઠભૂમિમાં આરોગ્ય સેવા એક પ્રકારનો વર્ક કોન્ટ્રાકટ તરીકે જ સામે આવે છે અને તેથી વેટ સાાવાળાઓ કર વસૂલવા માટે અધિકારી છે અને તે માટેની તેઓને સાત્તા છે. અરજદાર હોસ્પિટલો તરફથી કરાયેલી અરજીઓ અને મુદ્દાઓ ટકી શકે તેમ ના હોઈ તે ફગાવી દેવા જોઈએ.'
રાજ્ય સરકાર અને વેટ વિભાગ તરફથી કરાયેલી ઉપરોકત દલીલો ગ્રાહ્ય રાખી ગુજરાત હાઈકોર્ટે ઉપરોકત ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે અરજદાર ખાનગી હોસ્પિટલોની રિટ અરજીઓ ફગાવતાં જણાવ્યું કે, '46મા બંધારણીય સુધારા પછી, તમામ સંયુક્ત કરારો, જેમાં ઇન્ડોર દર્દીઓને આરોગ્યસંભાળ સેવાઓનો સમાવેશ થાય છે, તેને વર્ક્સ કોન્ટ્રાક્ટ તરીકે ગણી શકાય. પરિણામે, આવી સેવાઓમાં સમાવિષ્ટ માલના ટ્રાન્સફર પરનો કર ઘટક યોગ્ય, વાજબી અને કાયદેસર ઠરે છે. '
હાઇકોર્ટના આ ચુકાદાને પગલે હવે રાજ્યની ખાનગી હોસ્પિટલો પાસેથી ઇન્ડોર દર્દીઓ પાસેથી સારવાર દરમ્યાન દવાઓ, ઇમ્પ્લાન્ટ્સ, સ્ટેન્ટ્સ સહિતની ચીજ વસ્તુઓના વેચાણ પર હજારો કરોડ રૂપિયાનો કર વસૂલવાનો વેટ વિભાગ(હવે જીએસટી ડિપાર્ટમેન્ટ)નો માર્ગ મોકળો બન્યો છે.