નાપાસ થવાના ડરથી ભાગી ગયેલી અમદાવાદની ધોરણ 10ની બે વિદ્યાર્થિની મુંબઈથી મળી
Image: AI |
Ahmedabad Police: નવરંગપુરા લૉ ગાર્ડન પાસે આવેલી સમર્થ વિદ્યાવિહારમાં ધોરણ-10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ ત્રણ દિવસ પહેલા સ્કૂલમાંથી રહસ્યમય સંજોગોમાં ચાલી જતા પોલીસનો દોડતી થઈ હતી. પરંતુ, કોઈ કડી મળી નહોતી. બીજી બાજુ ગુરૂવારે સવારે એક વિદ્યાર્થિનીએ તેના પિતાને મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાંથી ફોન કરીને જાણ કરી હતી. જેથી નવરંગપુરા પોલીસે મુંબઈની સ્થાનિક પોલીસને જાણ કરીને વિદ્યાર્થિનીઓનો કબ્જો લેવાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસની એક ટીમ તેમજ વાલીઓ મુંબઈ પહોંચ્યા અને બાળકીને તાત્કાલિક અમદાવાદ પરત લાવવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને વિદ્યાર્થિનીઓને વિજ્ઞાન અને ગણિતના વિષયમાં નાપાસ થવાનો ડર હતો. જેથી બદનામ થવાના ડરથી ઘર છોડવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચોઃ વલસાડના કપરાડા અને વાપીમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, જાણો છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
શું હતી ઘટના?
શહેરના નવરંગપુરા લૉ ગાર્ડન પાસે આવેલી સમર્થ વિદ્યાવિહારમાં ધોરણ-10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓને નિત્યક્રમ મુજબ તમના પિતા સ્કૂલના ગેટ પાસે મૂકી ગયા હતા. પરંતુ, બંને સ્કૂલમાં પહોંચી ન હોવાથી સ્કૂલના આચાર્યએ તેમના વાલીઓને ફોન કરીને જાણ કરી હતી. જેથી વાલીઓએ સીસીટીવી ફૂટેજ તપાસ કરતા બંને સ્કૂલના પાછળના દરવાજેથી બહાર જતા જોવા મળી હતી. આ અંગે નવરંગપુરા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર તેમજ અન્ય સ્થળો પર વિવિધ ટીમ મોકલી હતી. પરંતુ, કોઈ કડી મળી નહોતી.
વિદ્યાર્થિનીઓએ કેમ ભર્યું આવું પગલું?
બીજી બાજું એક વિદ્યાર્થિનીનો તેનો પિતા પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. વિદ્યાર્થિનીએ તેના પિતા પાસે માફી માંગીને કહ્યું હતું કે, તે મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં છે. જેથી તેના પિતાએ તાત્કાલિક નવરંગપુરા પોલીસને જાણ કરતા પીઆઈ એ. એ દેસાઇએ તાત્કાલિક મુંબઈ પોલીસને જાણ કરીને બંને વિદ્યાર્થિનીઓનો કબ્જો મેળવવા તાકીદ કરી હતી. બીજી બાજું નવરંગપુરા પોલીસની એક ટીમને મુંબઈ મોકલી હતી અને તેમની સાથે વિદ્યાર્થિનીઓના વાલીઓ પણ સાથે ગયા હતા. જ્યાંથી બંનેને સલામત રીતે અમદાવાદ લાવીને પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બંને ગણિત અને વિજ્ઞાનના વિષયના અભ્યાસમાં નબળા હોવાથી નાપાસ થવાનો ડર હતો. જેના કારણે પરિવારને નીચુ જોવું પડે તેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે બંનેએ ઘર છોડવાનું નક્કી કર્યું હતું.
બંને વિદ્યાર્થિનીઓ 22 તારીખે સ્કૂલ બેગમાં બીજા કપડા સાથે લઈને નીકળી હતી. સ્કૂલમાંથી નીકળ્યા બાદ પરિમલ ગાર્ડન પાસે વોશરૂમમાં કપડા બદલીને બસમાં સુરત ગઈ હતી અને ત્યાંથી ટ્રેનમાં બેસીને મુંબઈ પહોંચી હતી. પરંતુ, નાણાં ખુટી પડતા તેમને પોતાની ભૂલ સમજાય હતી અને પિતાને ફોન કરીને આ વિશે જાણ કરી હતી. આ અંગે બી ડીવીઝન એસીપી એચ. એમ કણસાગરાએ જણાવ્યું કે બંને વિદ્યાર્થિનીઓ સલામત છે અને તેમને કાઉન્સીલીંગ કરીને સમજાવટ કરવામાં આવશે.