ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન: ગુજરાતના 8 ધારાસભ્યો ભાગ લેશે
SC ST Welfare Confence : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 29 ઓગસ્ટે ભુવનેશ્વરમાં 'અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન'નું ઉદ્ઘાટન કરશે. આ બે દિવસીય સંમેલન દેશભરના 120થી વધુ પ્રતિનિધિઓને એક મંચ પર લાવશે, જેમાં ગુજરાતના 8 ધારાસભ્યો, 3 SC અને 5 ST વિશેષરૂપે ભાગ લેશે.
ભુવનેશ્વરમાં યોજાનારા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ SC-ST સમુદાયના કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ માટે સંસદીય અને વિધાનસભાની સમિતિઓની ભૂમિકા પર ચર્ચા કરવાનો છે. ઓમ બિરલા દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન અને સ્મૃતિસૌવેનિરનું વિમોચન પણ કરવામાં આવશે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, કેન્દ્રીય મંત્રી જ્યુઅલ ઓરમ, ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ અને સંસદીય સમિતિના અધ્યક્ષ ફગનસિંહ કુલસ્તે પણ ઉપસ્થિત રહેશે.
ગુજરાતના SC-ST ધારાસભ્યો આ મંચ પર રાજ્યના દૃષ્ટિકોણ અને અનુભવો રજૂ કરશે, તેમજ અન્ય રાજ્યો સાથે શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરશે. 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે બંધારણીય સુરક્ષાઓ, નીતિ અમલ અને જવાબદારીના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ પ્રકારનું પહેલું સંમેલન 1976માં નવી દિલ્હીમાં યોજાયું હતું. ત્યારબાદ 1979, 1983, 1987 અને 2001માં પણ સંમેલનો યોજાયા હતા. આ વખતે પહેલીવાર દિલ્હી બહાર, ભુવનેશ્વરમાં આ સંમેલન યોજાઈ રહ્યું છે, જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.