સુરતના લોકોની ફરિયાદ હતી સાયકલ સ્ટેન્ડ પરથી દબાણ હટાવવાની, પાલિકાએ સાયકલ સ્ટેન્ડ જ હટાવી દીધું
Surat Corporation : સુરત મહાનગરપાલિકાની દબાણ કરનારાઓને પ્રોત્સાહન આપવાનો વધુ એક કિસ્સો અડાજણ વિસ્તારમાં બહાર આવ્યો છે. આ વિસ્તારમાં શેરીંગ સાયકલના પ્રોજેક્ટ માટે સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું તેના પર દબાણ હોવાથી લોકોએ સાયકલ સ્ટેન્ડ પરથી દબાણ હટાવવાની માંગણી કરી હતી. પરંતુ પાલિકાએ દબાણ દુર કરવાની ફરિયાદ સામે સાયકલ સ્ટેન્ડ જ હટાવી દઈ દબાણ કરનારાઓને ઘુંટણીયે પડી ગઈ છે. પાલિકાની આ કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત પાલિકાની દબાણ હટાવવાની કામગીરી દિવસેને દિવસે વિવાદમાં આવી રહી છે. પાલિકા તંત્ર જે લોકો પ્રતિકાર કરી શકતા નથી તેવા દબાણ કડકાઈથી હટાવે છે પરંતુ જે લોકો પ્રતિકાર કરે છે તેવા દબાણ હટાવતા નથી જેના કારણે દબાણની સમસ્યા વધી રહી છે. પાલિકાના દબાણ હટાવવાની કામગીરીનો કડવો અનુભવ અડાજણ વિસ્તારના લોકોને થયો છે. પાલિકાએ લોકોની સુવિધા માટે સહજ પાસે સાયકલ શેરીંગ પ્રોજેક્ટની સાયકલ સ્ટેન્ડ બનાવ્યું હતું. પાલિકાની નબળી કામગીરીને કારણે અહીં મુકવામાં આવતી સાયકલ પર દબાણ કરનારા કપડાં અને અન્ય વસ્તુઓ મૂકી દેતા હોવાથી અનેક સાયકલને નુકસાન થતું હતું. આ ઉપરાંત લોકો બપોર પછી દબાણ થતા સાયકલનો ઉપયોગ કરી શકતા ન હતા.
આ સમસ્યાના નિવારણ માટે આ સાયકલ સ્ટેન્ડ પર માથાભારે તત્વો દબાણ કરે છે તે હટાવવા માટેની માંગણી થઈ હતી. લોકોએ સાયકલ સ્ટેન્ડ પરના દબાણ હટાવવા માંગણી કરી હતી પરંતુ પાલિકાએ આ ફરિયાદનું કાયમી નિરાકરણ આવે તે માટે શેરીંગ સાયકલ પ્રોજેક્ટ માટેનું સાયકલ સ્ટેન્ડ જ હટાવી દીધું છે જેના કારણે લોકોમાં ભારે આશ્ચર્ય થયું છે. પાલિકાની આવી કામગીરીથી પાલિકા જ દબાણ કરનારાઓને સેફ પેકેજ પુરૂ પાડતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અને આ માથાભારે તત્વોના દબાણ કાયમી હટાવી ત્યાં ફરીથી સાયકલ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી માંગણી થઈ રહી છે.
પાલિકા પોલીસની નબળી કામગીરીથી બ્રિજ પર રવિવારી બજાર ભરાઈ હતી
સુરત પાલિકા અને પોલીસની નબળી કામગીરીથી સુરતમાં દબાણની સમસ્યા બેફામ વધી રહી છે. માથાભારે તત્વો સામે પાલિકા-પોલીસ કોઈ નક્કર કામગીરી કરતી ન હોવાથી દબાણ કરનારાઓની હિંમત ખુલી ગઈ છે અને તેથી જ ગત રવિવારે બ્રિજ પર રવિવારી બજાર ભરાયું હતું.
પાલિકા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યા હોવાથી ડક્કા ઓવારા પર રવિવારી બજાર ન ભરી શકાય તેવું જાહેર કર્યું હતું. જોકે, માથાભારે તત્વોએ પાલિકા અને પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સ્વામી વિવેકાનંદ બ્રિજની બન્ને તરફ દબાણ કરીને રવિવારી બજાર ભરી દીધું હતું. આ જગ્યાએ પાલિકા અને પોલીસ બન્ને પાસે સીસીટીવી કેમેરા હોવા છતાં બજાર ભરાયું તે વિવાદનો વિષય બન્યો હતો. આ વિવાદ શાંત પડે તે પહેલાં અડાજણ સહજ વિસ્તારમાં માથાભારે તત્વોને દબાણ કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે શેરીંગ સાયકલ પ્રોજેક્ટનું સ્ટેન્ડ જ દુર કરી દીધું છે. આમ પાલિકા અને પોલીસની નબળી કામગીરી થી દબાણ કરનારાઓ બેફામ બની ગયાં છે.