પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો 'અસહકાર', સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા
Organic Farming: રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, જીનેટિકલી એન્જિનિયર્ડ બિયારણ થકી ઉત્પાદિત થતાં કૃષિ પાકો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આરોગ્ય પ્રત્યે વધતી લોકજાગૃતિને પગલે હવે સજીવ ખેત ઉત્પાદનોની ડિમાન્ડ વધી છે. આ જોતાં હવે ખુદ ખેડૂતો પણ સજીવ ખેતી તરફ વળ્યાં છે. જોકે, રાજ્યપાલ પણ સજીવ ખેતીના હિમાયતી રહ્યાં છે ત્યારે ગુજરાતને પરંપરાગત ખેતીમાં કેન્દ્ર સરકારે જ સહયોગ નથી આપ્યો. કેન્દ્રએ ગુજરાતને સજીવ ખેતી માટે મોટા ઉપાડે 13 કરોડ ગ્રાન્ટ આપવા જાહેરાત કરી હતી પણ માત્ર 4 કરોડ રૂપિયા જ આપ્યા હતાં.
આ પણ વાંચોઃ નવ દિવસનું 'વેકેશન' માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક
બે વર્ષથી કેન્દ્રએ નથી આપી સહાય
ગુજરાતમાં છાણીયું ખાતર, દેશી પદ્ધિતિથી નિંદામણ ઉપરાંત સજીવોના ઉપયોગથી પાકને નુકસાન કરતાં જીવજંતુઓને નિયંત્રણ કરી પરંપરાગત રીતે ખેતી કરવામાં આવે છે. પર્યાવરણની સમતુલા જળવાઇ રહે, રાસાયણિક પ્રદૂષણથી મુક્તિ મળે, સ્વાસ્થ્યને નુકશાન ન થાય તેવા ખેત ઉત્પાદન મળે, ટકાઉ-સલામત ખેતી થાય તે હેતુથી ખેડૂતો સજીવ ખેતી કરવા માંડ્યાં છે. આ બાબતે કેન્દ્ર સરકારે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાની ડીંગો હાંકીને નાણાંકીય સહાય આપવા વચન વાયદા કર્યા હતાં. વર્ષ 2021-22 અને વર્ષ 2022-23માં કુલ મળીને 40 લાખ ગ્રાન્ટ આપવા નક્કી કર્યુ હતું પણ બે વર્ષ સુધી ગુજરાતને સજીવ ખેતી માટે કાણી પાઇ આપી ન હતી.
ગ્રાન્ટ ફાળવી તેના અડધી સહાય પણ ન કરી
વર્ષ 2023-24માં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ગુજરાતને પરંપરાગત ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે 7.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપવા નિર્ણય કર્યો હતો. પણ માત્ર 1.96 કરોડ જ ગ્રાન્ટ ફાળવી હતી. સજીવ ખેતી પાછળ 1.96 કરોડનો ખર્ચ કરાયો હતો. આ ઉપરાંત વર્ષ 2024-25માં ગ્રાન્ટમાં ઘટાડો કરી દેવાયો હતો. 5.6 કરોડની નાણાંકીય સહાય આપવા જાહેરાત કરાઇ હતી પણ 2.82 કરોડ જ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તે પૈકી 2.48 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ મોરબીમાં સમાવેશ કરાયો પણ ખેડૂતોને મહેસુલી રેકર્ડ માટે હજુ સુરેન્દ્રનગરનો ધક્કા
ગુજરાતમાં ખેડૂતો કૃત્રિમ ખેતી છોડી સજીવ ખેતી કરે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખૂબ જ પ્રયાસો કરી રહ્યાં છે તેમ છતાંય ખુદ કેન્દ્રીય કૃષિ મંત્રાલય જાણે સજીવ ખેતીની ધરાર અવગણના કરતું હોય તેવુ ચિત્ર ઊભુ થયું છે. ગુજરાતમાં કેન્સરના કેસોમાં થતા વધારાને ધ્યાને લઈ સજીવ ખેતી જરૂરી બની છે, તેમ છતાંય પાછલા બારણે કૃત્રિમ ખેતીને પ્રોત્સાહન મળી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે.