Get The App

નવ દિવસનું 'વેકેશન' માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
નવ દિવસનું 'વેકેશન' માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક 1 - image


Mini Vacation for Goverment Employees : હાલમાં સરકારી કચેરીઓમાં જુલાઈ મહિનાથી જ ઓગષ્ટ મહિનામાં આવનારી રજાઓને કેવી રીતે મિનિ વેકેશનમાં પલટી નાંખવી તેનું પ્લાનિંગ શરુ થઈ ગયું છે. રજાઓમાં અને પગાર વધારાના માહિર સચિવાલયના ઘણાં સ્ટાફર્સ હાલમાં નવરાશના સમયે ઓગષ્ટ મહિનાની આવનારી રજાઓને મિની વેકેશનમાં ફેરવવા માટે ક્યા કેવી રીતે રજાઓની રજૂઆત મૂકવી તેની ફિરાકમાં છે. 

સામાન્ય રીતે સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓને પૂરતી રજાઓ મળતી જ હોય છે પરંતુ શનિ-રવિ સાથે તહેવારો આવે ત્યારે મિનિ વેકેશન જેવો માહોલ ઊભો થઈ જાય છે. આવા સમયે ખાસ કરીને દરેક સરકારી કર્મચારી રજા લેવા માટે અગાઉથી પ્લાનિંગ કરે છે. જો કે સરકારમાં વરિષ્ટ અધિકારીઓની ગુડ બુકમાં આવતાં કર્મચારીઓને સરળતાથી રજા મળી જતી હોય છે પરંતુ બેડ બુકના કર્મચારીઓએ આવા વખતે વિશેષ રીતે ભોગવવાનું રહેતું હોય છે.

આગામી રક્ષાબંધન 9મી તારીખે આવે છે એ પછી તરત રવિવાર છે અને ત્યારબાદ તા. 15મી અને 16મીએ પંદરમી ઓગષ્ટ અને જન્માષ્ટમીની રજા બાદ રવિવારની રજા હોવાથી જો કોઈ વચ્ચેના ચાર દિવસ રજા પાડે તો તેને સીધો જ ફાયદો મિનિ વેકેશનનો મળી શકે. સચિવાલયમાં મીના બજાર તરીકે જાણીતા ચા અને નાસ્તાના બજારમાં રિસેષના સમયે ભેગા થતાં કર્મચારી મહાશયો ચાની સાથે સાથે આંગળીના વેઢાનો વિશેષ રીતે આ રજાઓ ગણવામાં ઉપયોગ કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાત સરકારના સર્કિટ હાઉસમાં પણ આ અંગેની વિશેષ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. 

એક વરિષ્ઠ અધિકારીના મતે મોટા ભાગના કર્મચારીઓ અંદર આવવાનું પૂછવા સાથે જ અમે જણાવી દઈએ છીએ કે રજા સિવાયના કામની વાત કરશો તો જ સાંભળવામાં આવશે.એક સાથે આખી ઓફિસને રજા ના મળી શકે એ વાત ખૂબ જ સ્વાભાવિક છે પરંતુ એવા પચાસ ટકા નસીબદારોમાં પોતાનું નામ આવે એ માટે સતત પ્રયત્ન કરતાં કર્મચારીઓએ અત્યારથી જ મિનિ વેકેશનનો લાભ લેવા માટે પોતાની તમામ શક્તિઓ કામે લગાવી દીધી છે. આ જ સ્થિતિ ઘણી શાળા-કૉલેજો ઉપરાંત બેંક કર્મચારીઓમાં પણ જોવા મળી રહી છે.

Tags :