મોરબીમાં સમાવેશ કરાયો પણ ખેડૂતોને મહેસુલી રેકર્ડ માટે હજુ સુરેન્દ્રનગરનો ધક્કા
ઝાલાવાડની ઐતિહાસિક નગરી હળવદનો
સુંદરીભવાની ગામના ખેડૂતોને સાંથણીની જમીન ફાળવી દીધી પણ ડીએલઆરમાંથી માપણી સીટ નહીં મળતા હાલાકી
માપણી સીટ નહીં મળતા ભૂમાફિયાઓ, રાજકીય આગેવાનોએ સસ્તા ભાવે જમીન ખરીદવા સક્રિય
સુરેન્દ્રનગર - હળવદ તાલુકાનો છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોરબી જીલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાંય અનેક ખેડૂતોને જમીન સહિતની કામગીરી માટે ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે જેમાં સુંદરીભવાની ગામના ખેડૂતોને વર્ષ ૧૯૭૬માં ફાળવેલ સાંથણીની જમીનની માપણી સીટ નહિં મળતા ખેડૂતોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે જીલ્લા કલેકટર આ અંગે ખેડૂતોની વ્હારે આવે અને સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.
ડીએલઆરની ગોકળગતીથી થતી કામગીરીના કારણે અનેક ગામોના ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામમાં વર્ષ ૧૯૭૬માં માલારી ખેડૂતોને સાંથણીની અંદાજે ૭૦૦ એકર જમીન ફાળવવામાં આવી હતી. આ જમીન ખેડૂતોના નામે સરકારી રેકર્ડમાં આવી ગઈ છે પરંતુ હજુ સુધી આ જમીનના ફાળવવામાં આવેલા કબજાની ખેડૂતોને ડીએલઆરમાંથી માપણી સીટ મળતી નથી.
હળવદના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મહેસુલી રેકર્ડ, માપણી સીટ, હુકમ માટે સુરેન્દ્રનગર તેમજ મોરબી જીલ્લાની કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યાં છે તેમ છતાંય ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવતો નથી. જમીનની ડીએલઆરમાંથી માપણી સીટ ન મળતા ખેડૂતોને સોંપવામાં આવેલ જમીનો પૈકી અમુક જમીનો પર ભૂમાફિયાઓ તેમજ રાજકીય આગેવાનોએ સસ્તા ભાવે જમીન ખરીદવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે જેથી કબ્જાવાળા ખેડૂતો ખોટી રીતે હેરાન ન થાય અને આવા ભુમાફીયાઓની ચુંગાલમાં ન ફસાય જાય તે માટે મોરબી કલેકટર દ્વારા તાત્કાલીક સુંદરી ભવાની ગામના માપણી સીટ બાકી હોય તેવા ખેડૂતોને ન્યાય અપાવી તમામ ખેડૂતોને માપણી સીટ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. તમામ ખેડૂતોની એકસાથે માપણી સીટ મળે તો કબ્જામાં કોઈ મુશ્કેલી ન રહે જેથી સુંદરીભવાનીના ખેડૂતો ન્યાય મળશે તેવી આશાઓ રાખીને બેઠા છે.