Get The App

ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં 1 - image


 AI IMAGE


Gujarat Gas PNG supply cut : દુનિયા અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઉભી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની સીધી અને નકારાત્મક અસર હવે ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર પડવા લાગી છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને પૂરા પાડવામાં આવતા PNG (પાઇપ્ડ નેચરલ ગેસ)ના પુરવઠામાં તાત્કાલિક અસરથી 50 ટકાનો જંગી કાપ મૂકી દેવામાં આવ્યો છે, જેનાથી ઉદ્યોગકારોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે.

ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી, ઉદ્યોગો બંધ કરવાની નોબત!

ગુજરાત ગેસના આ અચાનક નિર્ણયથી ઉદ્યોગો માટે અગાઉથી લીધેલા દેશ-વિદેશના ઓર્ડર પૂરા કરવા લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે આ કાપ તેમના ઉત્પાદન પર વિપરીત અસર પાડશે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા ઉદ્યોગોને તો પોતાનું ઉત્પાદન જ બંધ કરવાની નોબત આવી શકે છે.

આ પણ વાંચો : ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા

ઉદ્યોગકારોની મુખ્ય માંગણીઓ

કાપ મુલતવી રાખવા માગ: તાત્કાલિક અસરથી મુકાયેલા આ કાપને ઓછામાં ઓછો દસ દિવસ માટે મુલતવી રાખવામાં આવે જેથી તેઓ રનિંગ ઓર્ડર પૂરા કરી શકે.

કાપનો આધાર બદલવા માગ: છેલ્લા 30 દિવસના સરેરાશ વપરાશના બદલે, છેલ્લા 3 મહિનાના સરેરાશ વપરાશને આધારે કાપ લાગુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ક્લીન ફ્યુઅલ પોલિસી હવે શાપ સમાન?

રાજ્ય સરકારની 'ક્લીન ફ્યુઅલ પોલિસી'ના કારણે ગુજરાતના 80 ટકા ઉદ્યોગો ગેસ આધારિત છે. હવે જ્યારે મુખ્ય ઈંધણ (ગેસ)નો પુરવઠો જ અડધો થઈ ગયો છે, ત્યારે આ પોલિસી હવે ઉદ્યોગો માટે શાપ સમાન સાબિત થઈ રહી છે. અન્ય રાજ્યોમાં ડીઝલ અને કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ નથી, જેના કારણે ગુજરાતના ઉદ્યોગો તેમની સ્પર્ધા કરવામાં પાછા પડશે.

શું સરકાર આપશે મંજુરી?

ઉદ્યોગકારો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે આ અસાધારણ પરિસ્થિતિમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા ગેસના વિકલ્પ તરીકે ડીઝલ કે કોલસાનો ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવે. જો આવી મંજુરી નહીં મળે તો રાજ્યના ઔદ્યોગિક વિકાસને મોટો ફટકો પડશે.