Get The App

હોટલમાં પનીરના નામે 'એનાલોગ' તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
હોટલમાં પનીરના નામે 'એનાલોગ' તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ 1 - image


Gujarat FDCA New Guidelines For Fake Paneer: રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર(FDCA) દ્વારા ગ્રાહકોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની હોટલો, રેસ્ટોરન્ટ્સ અને તૈયાર ખોરાકના એકમોમાં પનીરના નામે વેચાતા ડુપ્લીકેટ પનીર(એનાલોગ) પર રોક લગાવવા માટે ખાસ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. હવેથી દરેક એકમોએ તેમના મેન્યુકાર્ડ અથવા નોટિસ બોર્ડ પર પનીર અસલી છે કે 'એનાલોગ', તેની સ્પષ્ટ જાહેરાત કરવી ફરજિયાત રહેશે.

શું છે આ નવો આદેશ?

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આદેશ અનુસાર, જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ પનીરની જગ્યાએ વેજિટેબલ ફેટમાંથી બનેલા 'એનાલોગ'નો ઉપયોગ કરતી હોય, તો ગ્રાહકો જોઈ શકે તે રીતે મેન્યુકાર્ડ કે બોર્ડ પર તેની જાણકારી આપવી પડશે. આ જોગવાઈનો અમલ 4 એપ્રિલ, 2026થી ચુસ્તપણે કરવા માટે તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

તંત્રના ધ્યાને આવ્યું છે કે, બજારમાં Paneerના નામે 'Analogue/Vegetable-Fat Paneer Alternative' જેવા ઉત્પાદનોનો વપરાશ વધ્યો છે, જેનાથી ગ્રાહકો ભ્રમિત થઈ રહ્યા છે.

- દૂધના બદલે વેજિટેબલ ફેટ કે સ્ટાર્ચમાંથી બનેલા પદાર્થને 'પનીર' તરીકે વેચવું એ કાયદેસરનો ગુનો છે.

 -  ખોરાક વ્યવસાયકારોએ પેકેજિંગ અને લેબલિંગમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી પડશે.

 - ગ્રાહકોને ખોટી માહિતી આપવી એ 'ભ્રામક વેપાર પ્રથા' ગણાશે અને તેના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક?

આ નવી માર્ગદર્શિકા ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ, 2006ની વિવિધ કલમો (જેમ કે કલમ 23, 24, 53 અને 59) હેઠળ બહાર પાડવામાં આવી છે. ફુડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા આગામી દિવસોમાં હોટલોમાં આકસ્મિક તપાસ, નિરીક્ષણ અને સેમ્પલિંગની પ્રક્રિયા તેજ કરવામાં આવશે. જો કોઈ એકમ નિયમોનું ઉલ્લંઘન કરતું ઝડપાશે, તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.