પાકને નુકસાન કરોડોનું પણ ખેડૂતોને 40-45 હજારથી વધુ સહાય નહીં મળે, અસંતોષ ફેલાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Farmers: માવઠાએ ગુજરાતમાં 30 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે અને 15 હજારથી વધુ ગામડાઓ અસરગ્રસ્ત થયાં છે. 17 લાખ ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા હોવાનો પ્રાથમિક અંદાજ છે ત્યારે રાજ્ય સરકારે છ-સાત હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. જોકે, કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે ત્યારે પ્રત્યેક ખેડૂતને બે હેક્ટરની મર્યાદામાં રૂ. 40-50 હજારથી વધુ સહાય મળે તેમ નથી. આ જોતાં અત્યાર સુધીમાં સૌથી મોટુ કૃષિ પેકેજ જાહેર કર્યા પછી ખેડૂતોમાં અસંતોષ ભભૂકે તેવી સ્થિતિ પરિણમી છે. આ કારણોસર કૃષિ પેકેજ જાહેર કરાયા પછી પણ ખેડૂતોના દેવામાફીની માંગ વધુ ઉગ્ર બની શકે તેવા એંધાણ સર્જાયા છે.
આ પણ વાંચોઃ આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું
ચાલુ વર્ષે ચોમાસું ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયુ છે તેમાંય શિયાળાની એન્ટ્રી પહેલાં જ માવઠાએ ખેતી તબાહ કરતાં ખેડૂતોના મોંઢામાંથી કોળિયો છિનવાયો છે. પ્રાથમિક અંદાજ છે કે, ઉત્તર ગુજરાતમાં 4.14 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું છે જેથી 40 હજારથી વધુ ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 5.61 લાખ હેક્ટરમાં પાક ધોવાયો છે. સૌથી વઘુ સૌરાષ્ટ્રમાં 25.60 લાખ હેક્ટરમાં ખેતી તબાહ થઈ છે. મધ્ય ગુજરાતમાં 3 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું હોવાનો અંદાજ છે.
ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેત મજૂરી સહિત ઉત્પાદન ખર્ચમાં વધારો
આ ઉપરાંત કુલ ઉપજની કિંમત સાથે અંદાજ ગણવામાં આવે તો, સરેરાશ 50 હજારનું નુકસાન થયું છે. અત્યાર સુધી રાજ્ય સરકારે કૃષિ પેકેજ થકી પ્રત્યેક ખેડૂતને હેક્ટર દીઠ રૂ. 13,500 સહાય ચૂકવી છે. આ વખતે તે સહાયમાં વધારો કરવામાં આવે તો પણ હેક્ટર દીઠ રૂ. 20-22 હજારથી વધુ મળે તેમ છે. આ જોતાં બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતને રૂ. 40-45 હજારથી વધુ સહાય મળશે નહીં. જે ખેડૂતોના પારાવાર નુકસાન સામે ઓછી સાબિત થઇ શકે છે.
જે રીતે માવઠાએ ખેતીનો સોથ વાળ્યો છે. ખેતરોમાં ઊભા પાક ધોવાયા છે અને લાખો કરોડોનું નુકસાન થયું છે ત્યારે સરકારની કૃષિ રાહત સહાય 15 લાખથી વધુ ખેડૂતોનો રોષ ઠારવા માટે અસક્ષમ સાબિત થશે તેવા એંધાણ મળી રહ્યાં છે. આ જોતાં સરકાર ખેડૂતોને નુકસાનના પ્રમાણમાં પૂરતું વળતર ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી. હાલની સ્થિતિને જોતાં રવિપાક પર પણ અસર થાય તેમ છે.
સરકારના તરકટથી ખેડૂતોમાં રોષ
છોટા ઉદેપુર જિલ્લા સહિત અન્ય વિસ્તારોના ખેડૂતોની ફરિયાદ છે કે, નિયમોની આડમાં પાક નુકસાનીનો સરવે કરાયો નથી. ખેતરોમાં નુકસાન જોવા કોઈ અધિકારી ફરક્યો નથી. આજે પણ સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો વિરોધવંટોળ યથાવત રહ્યો છે. ખેડૂતોએ થાળી વગાડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો કે, ઘણાં ખેડૂતો એવા પણ છે જેમને બેન્ક લોન પણ મળતી નથી. આ સંજોગોમાં સરકારની નજીવી સહાય પછી પણ પાક નુકસાનીને લીધે ખેડૂતોને આર્થિક રીતે બેઠા થવુ અઘરુ છે.
ગુજરાત સરકારે કેન્દ્રને અતિવૃષ્ટિનો અહેવાલ જ મોકલ્યો નહીં
31મી ઓક્ટોબર, 2024માં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ થતા ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યુ હતું. નવાઇની વાત એ છે કે, ખુદ રાજ્યસભામાં કેન્દ્રએ ખુલાસો કર્યો કે, ગુજરાત સરકારે અતિવૃષ્ટિનો કોઇ અહેવાલ જ મોકલ્યો નથી. આ જોતાં સહાય આપવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. 31 ઓક્ટોબર સુધીમાં અહેવાલ મોકલવાનો હોય છે પણ સરકારે તસદી જ લીધી નહીં.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 'SIR' ની કામગીરી શરૂ, જાણો જિલ્લાની વિધાનસભા બેઠક પ્રમાણે મતદાર-BLOની સંખ્યા
વર્ષ 2019માં રાજ્ય સરકારે રૂ. 3750 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ હતું. પણ તે વખતે પાક વિમા યોજના અમલમાં હતી પરિણામે ખેડૂતોને રૂ. 10 હજાર કરોડનો આર્થિક ફાયદો પહોંચ્યો હતો. ખેડૂતોનું કહેવુ છે કે, આ વખતે ભલે સરકાર રૂ. 6-7 હજાર કરોડનું પેકેજ જાહેર કરે પણ પાક વિમા યોજના બંધ કરાઇ છે ત્યારે માત્ર સહાયનો જ લાભ મળશે તે અપૂરતુ સાબિત થશે. ખેડૂતોની આર્થિક ખોટ સહાયથી સરભર થાય તેમ નથી. આ કારણોસર ખેડૂતોમાં અસંતોષ ભભૂકશે તેમાં બે મત નથી.








