Get The App

આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું 1 - image


Gujarat ration shop strike: આખરે વ્યાજબી ભાવના દુકાનદારો સામે સરકારે નમતુ જોખવી પડ્યું હતું. પરિણામે ચોથા દિવસે અચોક્કસ મુદતની હડતાળ સમેટાઈ હતી. જોકે, ફેર પ્રાઈઝ એસોસિએશને કેબિનેટ મંત્રી સાથે જ મંત્રણા કરવાની જીદ પુરી કરી હતી. અન્ન પુરવઠા વિભાગે દુકાનદારોની મોટાભાગની માંગણીઓ સ્વિકારી લેતાં મામલો થાળે પડયો હતો. આ કારણોસર આવતીકાલથી જ ગુજરાતમાં વાજબી ભાવની દુકાનો પર અનાજ વિતરણ શરૂ કરાશે.

દુકાનદારો 'ટસથી મસ' ન થયા: સરકારી કાર્યવાહીની ધમકી બેઅસર

છેલ્લાં ચારેક દિવસથી વાજબી ભાવની દુકાનો સજ્જડ બંધ રહી હતી, જેના લીધે ગરીબ-મધ્યમ વર્ગના કાર્ડધારકો ખાંડ-અનાજથી વંચિત રહ્યા હતા. ત્રણ ત્રણ વખત મંત્રણા કર્યા પછી પણ દુકાનદારો ટસથી મસ થવા તૈયાર નહતા. આ સંજોગોમાં અન્ન પુરવઠા વિભાગના અધિકારીએ દુકાનદારોને જૂના પડતર કેસ ખોલવાની ધમકી આપતા વિવાદ વધુ વકર્યો છે. આ ઉપરાંત સરકારે અનાજ વિતરણથી અળગા રહેલાં દુકાનદારો વિરુધ્ધ કાર્યવાહી કરવા ચિમકી ઉચ્ચારી હતી. આમ છતાં એકેય દુકાનદારે અનાજનો જથ્થો ઉપાડવા ચલણ ભર્યુ ન હતું.

ઉચ્ચ સ્તરીય મંત્રણા પછી ફેર પ્રાઈઝ એસોસિએશનની જીત

દરમિયાન, મામલો વધુ ગંભીર થતાં કેબિનેટ મંત્રીએ ફેર પ્રાઈઝ એસોસિએશનને મંત્રણા માટે તેડુ મોકલ્યુ હતું કેમકે, અન્ન પુરવઠા સચિવ સાથેની બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના કારણે દુકાનદારોએ હવે પછી માત્રને માત્ર કેબિનેટ મંત્રી સાથે જ મંત્રણા કરવાની જીદ કરી હતી. મંત્રીની સાથે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાયેલી બેઠકમાં વાજબી ભાવના દુકાનદારોની મોટાભાગની માંગણી સ્વિકારી લેવાઈ હતી.

આ પણ વાંચો: મતદાર વેરિફિકેશનની પ્રક્રિયામાં શિક્ષકો BLO તરીકે ગેરહાજર રહેશે તો ધરપકડ વૉરન્ટ ઈશ્યૂ થશે

હડતાળનો સુખદ અંત: ગરીબ પરિવારોને નિયમિત અનાજનો જથ્થો મળશે

હવે દુકાનદારોને રૂા.20 હજાર નહી પણ રૂા.30 હજાર કમિશન મળશે. સાથે સાથે બોરી દીઠ રૂા.1.50ને બદલે રૂા.3 કમિશન ચૂકવવામાં આવશે. તકેદારી સમિતીની હાજરીમાં દુકાન પર અનાજનો જથ્થો ઉતારવાનો પરિપત્ર અન્ન પુરવઠા વિભાગે દુકાનદારોની જીદને પગલે રદ કરવો પડ્યો છે. હવે માત્ર બે સભ્યોની હાજરીમાં અનાજનો જથ્થો ઉતારવામાં આવશે. છેલ્લાં ઘણાં વખતથી સર્વરના ધાંધિયા ચાલી રહ્યાં છે તેના પણ ટેકનીકલ ઉકેલને લઈને ચર્ચા કરાઈ હતી. અન્ય માંગણીઓને પણ સરકાર હકારાત્મક રીતે ઉકેલ લાવવા ખાતરી આપી હતી. સરકાર અને દુકાનદારો વચ્ચે સમાધાન થતા હડતાળનોનો અંત આવ્યો હતો જેથી રાજ્યના લાખો ગરીબ પરિવારોને હવે અનાજનો જથ્થો નિયમિત રીતે મળશે.

આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું 2 - image

Tags :