ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્ત્વનો નિર્ણયઃ હવે માર્કશીટથી લઈને સર્ટિફિકેટ સુધીના સુધારાની ફી ઓનલાઈન ભરી શકાશે
GSEB New Rule: ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્રમાં નામ, અટક, જન્મ તારીખમાં સુધારાની ફી ઓનલાઈન ભરી શકાશે. બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલના વિદ્યાર્થીઓની માર્કશીટ-પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા માટે કવરમાં નામ અટક, પિતાનું નામ, જન્મ તારીખમાં સુધારો, ટેટ વેરિફિકેશન, ટેટ ડુપ્લિકેશન, માર્કશીટ જેવી સેવાની ફી પહેલાં બેન્કમાં ચલણ મારફતે ભરવામાં આવતી હતી. જોકે, હવે આ ચલણ બેન્કમાં ભરવાની બદલે ક્યુઆર કોડ દ્વારા યુપીઆઇ કે નેટ બેન્કિંગ અથવા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ભરી શકાશે.
આ પણ વાંચોઃ એશિયાના ઘરેણાં સમાન સાવજ સંકટમાં, બે વર્ષમાં 307માંથી અધધ 256 સિંહોના કમોત
ઓનલાઈન ભરી શકાશે ફી
આ મુદ્દે ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવે જણાવ્યું કે, ગુજરાતમાં વિવિધ જગ્યાએથી આવતા બહારગામના વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓફલાઇન પ્રક્રિયા હેઠળ ફી બેન્કના નિયત સમયગાળામાં રૂબરૂ ચલણ ભરવા જવું પડતું. પરંતુ, હવે વિદ્યાર્થી અને વાલીઓની સુવિધા માટે આ પ્રક્રિયાને ઓનલાઈન કરી દેવામાં આવી છે.
વિદ્યાર્થીઓ-વાલીને રાહત
વધુ વાત કરતા તેમણે જણાવ્યું કે, આનો સીધો લાભ રાજ્યના જિલ્લા મથકો અને તાલુકા મથકેથી ગાંધીનગર આવતા વાલી અને વિદ્યાર્થીઓને થશે.