એશિયાના ઘરેણાં સમાન સાવજ સંકટમાં, બે વર્ષમાં 307માંથી અધધધ 256 સિંહોના કમોત
Shocking Gir Lion Death Toll: એશિયાના ઘરેણા સમાન ગીરના સિંહોની કેવી દયનીય હાલત છે, તેનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. પહેલી ઓગસ્ટ 2023થી બે વર્ષ દરમિયાન કુલ 307 સિંહોના મોત થયા છે તેમાંથી માત્ર 51 સિંહોના જ કુદરતી મોત થયા છે, જ્યારે 256 સિંહોના કમોતનો સત્તાવાર ઘટસ્ફોટ થયો છે. વિધાનસભાના સત્રમાં બોટાદ ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નમાં વનમંત્રીએ જવાબ રજૂ કર્યો છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પાછળ કરોડોનું આંધણ કરવામાં આવતું હોવા છતાં અકુદરતી મોતને અટકાવવામાં વનતંત્ર નિષ્ફળ હોવાનું કમોતના આંકડા પરથી સ્પષ્ટ થાય છે.
સિંહ પાછળ કરોડો રૂપિયાનું આંધણ છતાં સૌથી વધુ મોત બિમારીથી
ગીરમાં સિંહોની વસ્તી વધી રહી હોવાના ગુણગાન ગાઈને સરકાર દ્વારા ગૌરવ લેવામાં આવી રહ્યું છે પરંતુ સિંહોને મુખ્ય જરૂરીયાત એવું જંગલ મળતું નથી. સિંહોમાં દિવસે-દિવસે બિમારી વધતી જઈ રહી છે. સ્થાનિક અધિકારીઓ દર વખતે બિમારી મુદ્દે કોઈ ગંભીર રોગ ન હોવાના દાવાઓ કરી લુલો બચાવ કરે છે. પરંતુ સૌથી વધુ સિંહોના કમોત બિમારી સબબ થયા હોવાના આંકડા સામે આવ્યા છે. જે આંકડો જાહેર થયો છે તે અનુસાર આગલા વર્ષે 60 અને ચાલુ વર્ષે 81 સિંહોના બિમારીથી મોત થયા છે. બિમારી બાદ સૌથી વધુ મોત આંતરીક લડાઈના કારણે થયા છે. ત્યારબાદ ખુલ્લા કુવા સિંહો માટે મોત બની ઝળુંબી રહ્યા છે. બે વર્ષમાં કુવામાં પડવાથી 20 સિંહોના મોત થયા છે અને પાણીમાં ડુબી જવાના કારણે 9 સિંહોના મોત થયા છે.
આ પણ વાંચો: બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત
સરકાર દ્વારા બે વર્ષમાં અકુદરતી મૃત્યુંના કિસ્સામાં તકેદારી માટે 37.35 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વનતંત્રએ સિંહોને તુરંત સારવાર મળી રહે તે માટે ઠેકઠેકાણે હોસ્પિટલો ખડકી દીધી છે. અભયારણ્ય વિસ્તારમાં જાહેર માર્ગ પર સ્પિડ બ્રેકરો મુકવામાં આવ્યા છે. નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું, પોલીસ, વનતંત્ર અને પીજીવીસીએલનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું, ખુલ્લા કુવાઓમાં બાંધવામાં આવ્યા, અધ્ધતન એમ્બ્યુલન્સ, રેડીયો કોલરીંગ, વેક્સિનેશન, રહેઠાંણ સુધારણા કામગીરી સહિતના અનેક કામ કરવામાં આવ્યા હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આટલા દાવાઓ છતાં પણ સિંહોના અકુદરતી મોત અટકાવવામાં વનતંત્ર અને સરકારને સફળતા મળતી નથી. દિવસે-દિવસે સિંહોના અકુદરતી મોત વધી રહ્યા છે.