Get The App

ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ 1 - image


CAG Report : ગુજરાત સરકારનું નાણાંકીય મેનેજમેન્ટ કંગાળ હોવાનું અવલોકન બુધવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ સાથે જ અંદાજપત્રના ખર્ચના હિસાબોનું બરાબર મેનેજમેન્ટ ન થતું હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમ જ 2023-24ના વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબોની ગુણવાા પણ કંગાળ હોવાનું અવલોકન કરવામાં આવ્યું છે. કેગના અહેવાલમાં નાણાંકીય શિસ્તનું પાલન કરવામાં ગુજરાત સરકારની સંખ્યાબંધ નબળાઈઓ પ્રત્યે ઘ્યાન દોરવામાં આવ્યું છે. ગુજરાત સરકારની મહેસૂલી આવક 11.71 ટકાના વધારા સાથે રૂા. 2,22,763 કરોડની થઈ છે. તેની સામે કુલ ખર્ચ રૂા. 2,47,632 કરોડનો થયો છે. આમ આવક કરતાં ખર્ચ ખાસ્સો વધારે છે.

આવક કરતાં ખર્ચ વધારે 

કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર 2020-21ના વર્ષના મહેસૂલી પુરાંત લક્ષ્યાંકોને પાર કરવામાં નિષ્ફળ રહી છે. ગુજરાત ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટની જોગવાઈ હેઠળ આ ટાર્ગેટ પાર પાડવા અનિવાર્ય હતા. ગુજરાતના બજેટમાં રૂા. 7479.64 કરોડની બતાવેલી પુરાંત પણ વાાસ્તવિક પુરાંત કરતાં વધારે હોવાનું જણાય છે. વાસ્તવમાં 2023-24ના વર્ષમાં રૂા. 7483.28 કરોડની ખાધ હોવા છતાં ઓછી દર્શાવી હતી. 

આ જ રીતે ગુજરાત સરકારે કોન્સોલિડેટેડ સિન્કિંગ ફંડમાં ઓછો ફાળો આપ્યો હતો. કોન્સોલિડેટેડ સિન્કિંગ ફંડ સામાન્ય રીતે સરકાર દ્વારા મેનેજ કરવામાં આવતું અનામત ભંડોળ છે. આ ફંડનો ઉપયોગ સરકારની નાણાંકીય જવાબદારીઓ અદા કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. માર્કેટમાંથી લેવામાં આવેલી લોનની પુનઃચુકવણી માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભવિષ્યમાં ગુજરાત સરકારને નાણાંકીય કટોકટીનો સામનો કરવાની નોબત ન આવે તે માટે જ આ ભંડોળ વ્યવસ્થિત રાખવાની ભલામણ દેશના ફાઈનાન્સ કમિશને કરેલી છે. 

તેમ જ બિલ્ડરો પાસેથી વસૂલવામાં આવલી લેબર સેસનોગુજરાત સરકાર દ્વારા  શ્રમિકોના કલ્યાણ માટે વ્યવસ્થિત ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી. ગુજરાત સરકારે લીધેલી લોનના વ્યાજની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઈ હોવાની બાબત પર પણ ઢાંકપીછોડો કરવામાં આવ્યો છે.

કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકારનું બજેટનું આયોજન પણ અપૂરતું છે. બજેટના ખર્ચનું નિયમન પણ અધકચરું છે. સાત ગ્રાન્ટ-અનુદાનના માઘ્યમથી કરવામાં આવેલી રૂા. 2414.11 કરોડની પૂરક જોગવાઈ બિનજરૂરી પુરવાર થઈ છે. તેમ જ રૂા. 11344.01 કરોડના ખર્ચના નાણાં એક હેડ હેઠળથી બીજા હેડમાં લઈ જવાની કવાયત પણ બિનજરુરી હોવાનું કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 

બજેટમાં 151 ગ્રાન્ટના નાણાંમાંથી 50 ટકા નાણાં વણવપરાયેલા રહ્યા છે તેમ જ 13.51 ટકા એટલે કે બજેટનો રૂા. 45,154.58 કરોડ પડ્યા રહ્યા હતા. આમ સરકારની બજેટની દરખાસ્ત પણ વાસ્તવથી વેગળી હોય તેવી હતી. તેમ જ ખર્ચ કરવાના બજેટમાં મૂકવામાં આવેલા આયોજન કંગાળ કે નબળા હતા. તદુપરાંત રૂા. 353.71 કરોડની વણ વપરાયેલી રકમ પરત પણ કરવામાં આવી નહોતી. 2023-24ના વર્ષમાં રૂા.193.67 કરોડનો જરુર કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખર્ચ માટે વિધાનસભાની મંજૂરી પણ લેવામાં આવી નહોતી. 

ગુજરાત સરકારની એકાઉન્ટિંગની પ્રથામાં ખાસ્સા છીંડાં

ગુજરાત સરકારની એકાઉન્ટિંગની પદ્ધતિમાં ખાસ્સા છીંડા હોવાનું કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા આપવામાં આવેલું રૂા. 21,845.38 કરોડનો ભંડોલ સીઘું પ્રોગ્રામનો અમલ કરતી સંસ્થાઓને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. આમ સ્ટેટ બજેટને ચાતરી જઈને આ પગલું લેવામાં આવ્યું હતું. પર્સનલ લેજર એકાઉન્ટની વણવપરાયેલી સિલક રૂા. 1951.56 કરોડની હતી. આ જ રીતે 24 ખાતાઓમાં મળીને રૂા. 11869.17 કરોડની ગ્રાન્ટના સર્ટિફિકેટ પણ વપરાયા વિના જ રહી ગયા હતા. ગુજરાત સરકારે કરેલા મૂડી રોકાણ પર પણ અપેક્ષા કરતાં ઓછા વળતર મળ્યા હતા. લોન પર રૂા. 6.75 ટકા વ્યાજ ચૂકવ્યું તેની સામે રોકાણ પર 0.56 ટકાનું નજીવું રિટર્ન મળ્યું છે. આમ ખોટ કરતી કંપનીઓમાં રોકાણ કર્યું છે. ગુજરાત સરકારના નિષ્ક્રિય લોન એકાઉન્ટમાં રૂા. 833.30 કરોડ પડ્યા રહ્યા છે. 

કોરોના વખતે સિલક તળીયે પહોંચી ગઇ હતી

કોરોના કાળમાં એટલે કે 2019-20ના નાણાંકીય વર્ષમાં ગુજરાત સરકારની જવાબદારીઓ વધી જતાં સરકાર પાસેની સિલક રકમ શૂન્યથી પણ ઓછી થઈ ગઈ હતી. આ ઘટ 2019-20 ના વર્ષમાં 19.51 ટકાની હતી. તે 2020-21ના વર્ષમાં વધીને 21.57 ટકા થઈ ગઈ હતી. આ દર્શાવે છે કે ગુજરાત સરકારને માથે દેવાનો બોજ ખાસ્સો વધી ગયો છે. બીજી તરફ ગુજરાત સરકાર કેટલીક થાપણો પરનું રૂા. 264.12 કરોડનુંવ્યાજ ચૂકવવામાં પણ નિષ્ફળ ગઈ હતી. આ વ્યાજની જવાબદારી ઊભું કરનાર લોન મહેસૂલી ખર્ચ કરવા માટે લેવામાં આવી હતી. આ વલણ લાંબા ગાળા માટે રાજ્યની આર્થિક તંદુરસ્તીને ખરાબ કરે છે. 

કેટલીક ગ્રાન્ટમાં જરૂર કરતાં વધુ ખર્ચ

બીજીતરફ કેટલીક ગ્રાન્ટમાં જરૂર કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચમાં દર્સાવી દઈને ખોટું વર્ગીકરણ પણ કર્યું છે. વર્ષના અંતે ખર્ચ કરી દેવાની લાયમાં આ ભૂલ કરવામાં આવી હોવાનુ ંજણાય છે. જમીન હસ્તગત કરવા માટેના ખર્ચનું પણ ખોટું વર્ગી કરણ કરવામાં આવ્યું હતું.

મહિલા બાળવિકાસમાં પણ નબળી કામગીરી

કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના કાર્યક્રમોનો અમલ કરવાની બાબતમાં ગુજરાત સરકારની કામગીરી નબળી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે 2350 આંગણવાડીઓ બાંધવાની જાહેરાત કરી હતી, પરંતુ વાસ્તવમાં માત્ર 210 આંગણવાડીઓ જ બાંધવામાં આવી હતી. ગુજરાત વુમન ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશનની ખર્ચાયા વિના પડી રહેલી રૂા. 21 કરોડની ગ્રાન્ટ પરત પણ કરવામાં આવી નહોતી. 

204 પ્રોજેક્ટમાં રૂા.16,402 કરોડ ફસાયા

ગુજરાત સરકારના મૂડી ખર્ચના નાણાં પણ સલવાયેલા છે. 204 જેટલા પ્રોજેક્ટ અઘૂરા પડ્યા છે. આ દરેક પ્રોજેક્ટમાં રૂા. 10 કરોડતી વધુનો ખર્ચ થયેલો છે. કુલ મળીને રૂા. 16,402.67 કરોલ સલવાયેલા પડ્યા છે. સ્વાયા સંસ્થાઓ અને રાજ્યના ભંડોળથી ચાલતી અન્ય સંસ્થાઓના હિસોબોમાં વિલંબ થયેલો છે. તેમ જ 183 કિસ્સાઓમાં નાણાંની ઉચાપત થઈ હોવાનું ઘ્યાનમાં આવ્યું છે. તદુપરાંત રૂા. 176.87 કરોડના કેસોનો કોઈ જ ઉકેલ આવી શક્યો નથી.

Tags :