ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા

Image: Freepik |
Gujarat Child Adoption Data: ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવામાં આવ્યા છે અને તેમાંથી 55 ટકા દીકરીઓ છે. છેલ્લા 10 વર્ષમાં દત્તક લેવામાં આવેલા બાળકોમાંથી 14 ટકા બાળકોને વિદેશમાં આશરો મળ્યો છે. દર વર્ષે નવેમ્બરમાં ‘એડોપ્શન અવેરનેસ મંથ' એટલે કે 'દત્તક ગ્રહણ માસ' તરીકે ઉજવાય છે. હાલની સ્થિતિ પ્રમાણે દેશમાં બાળકને દત્તક લેવા માટે રાહ જોવાનો સમયગાળો સરેરાશ 3 વર્ષ 6 મહિનાનો છે.
2024-25માં 4500થી વધુ બાળકોને દત્તક લેવામાં આવ્યા
આ અંગે મળતી માહિતી અનુસાર, સમગ્ર દેશમાંથી 2024-25માં 4500થી વધુ બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા. જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે. હજુ 36 હજારથી વધુ માતા-પિતા સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરિટી (કારા)માં નોંધાયેલા છે. ગુજરાતમાંથી છેલ્લા 10 વર્ષમાં 177 બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. જેમાં 61 બાળકો અને 89 બાળકીનો સમાવેશ થાય છે. આમ, વિદેશમાં સ્થાયી થયેલા લોકો માટે પણ દીકરી પ્રથમ પસંદ છે.
કોણ બાળક દત્તક લઈ શકે?
જાણકારોના મતે, બાળક દત્તક લેવામાં જો પતિ-પત્નીના ઉંમરનો સરવાળો 45 વર્ષ થતો હોય તો તેમને 0 થી 2 વર્ષની ઉંમરના બાળક દત્તક અપાય છે. જો સિંગલ પેરેન્ટ હોય તો તે માટે 40 વર્ષની મર્યાદા હોય છે. સિંગલ પેરેન્ટમાં પુરૂષને બાળકી દત્તક અપાતી નથી જ્યારે મહિલાને બાળકી અને બાળક બંને દત્તક અપાય છે. જો દંપતીની ઉંમરનો સરવાળો 86 થી 90 વર્ષ હોય તો 2 થી 4 વર્ષ સુધીના બાળક દત્તક અપાય છે. જો સિંગલ પેરેન્ટ હોય તો 41-45 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું
કયા બાળકોને દત્તક લઈ શકાય?
દત્તક આપવામાં આવતા બાળકો સામાન્ય રીતે ત્યજી દેવાયેલા, સરેન્ડર કરાયેલા, પારણામાં આવેલા, ચાઇલ્ડ ટ્રાફિકિંગમાંથી મુક્ત કરાયેલા ટૂંકમાં પરિવાર ન હોય તેનો સમાવેશ થાય છે. બાળક દત્તક લેવાની મેટર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ ફાઇલ થાય છે. આ પ્રોસેસમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટી નિર્ણય પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

