Get The App

અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
Ahmedabad Call Center Fraud


Ahmedabad Call Center Fraud: હવે અમદાવાદમાંથી અમેરિકા કોલ કરીને દવા મોકલવાના બહાને ડોલર પડાવીને ઠગાઈ આચરવાનું કૌભાંડ પકડાયું છે. આશ્રમ રોડ ઉપર સાકાર-9 બિલ્ડીંગમાં કોલ સેન્ટરની ઓફિસમાં યુવક-યુવતીઓને નોકરીએ રાખીને અમેરિકાથી જ બોલતાં હોવાનું કહીને દવા મોકલવાના બહાને ડોલર મેળવી લેવામાં આવતાં હતાં.

નબળી ગુણવત્તાની દવા આપી ડોલર પડાવ્યા

અમેરિકામાં રહેતા ભારતીયો પાસેથી ડોલર મેળવ્યા પછી દવા મોકલવામાં આવતી નહોતી અથવા તો નબળી ગુણવત્તાની દવા અપાતી હોવા અંગે નવરંગપુરા પોલીસે 24 યુવક - યુવતીઓ સામે ફરિયાદ નોંધી છે. નવરંગપુરા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને સુત્રધાર અભિષેક પાઠક સહિત 24ને ઝડપી લઈ મુખ્ય આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા 2 - image

વિદેશી ભારતીયોને નિશાન બનાવતા ઠગ

નવરંગપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગ  કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, આશ્રમ રોડ ઉપર સીટી ગોલ્ડ સિનેમાની બાજુમાં આવેલા સાકાર-9 બિલ્ડીંગના 12મા માળે આવેલી મુનરાઈઝ રેમેડી કેર પ્રા.લિ. નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવવામાં આવે છે. આ કોલ સેન્ટરમાંથી અમેરિકામાં ફોન ઉપર વાત કરીને પોતે અમેરિકાથી જ બોલતા હોવાનું કહેવાતું હતું. વિદેશમાં રહેતા ભારતીયોની મેડિકલ અંગેની તકલીફો જાણીને 600 ડોલરનું મેડિસિનનું પેકેજ સમજાવવામાં આવતું હતું. આ પ્રકારે પેકેજ સમજાવીને ઓનલાઈન ડોલર મેળવી લઈને દવા મોકલી આપવામાં આવશે તેમ જણાવાતું હતું. 

પૈસા લીધા બાદ દવા ન મોકલીને છેતરપિંડી

પૈસા મેળવી લીધા પછી કોઈપણ પ્રકારની દવા નહીં મોકલી અથવા તો નબળી ગુણવત્તાની દવા મોકલીને છેતરપિંડી આચરવામાં આવતી હોવાની વિગતો પોલીસને મળી હતી. આ વિગતોના આધારે નવરંગપુરા પોલીસની ટીમે મુનરાઈઝ રેમેડી કેર પ્રા.લિ.ની ઓફિસ ઉપર સવારે સાત વાગ્યે દરોડો પાડયો હતો. 

અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા 3 - image

સંચાલક અભિષેક પાઠકની ધરપકડ

દરોડા દરમિયાન ઓફિસના સંચાલક-મેનેજિંગ ડાયરેક્ટર, વસ્ત્રાલના અક્ષરધામ હાઈટ્સમાં રહેતા અભિષેક રામનારાયણ પાઠક (ઉ.વ. 35)ની પૂછપરછ કરતાં તેણે આ કંપની પોતાના ભાઈ મનીષ પાઠકના નામે રજીસ્ટર કરાવી દવાઓના વેચાણને લગતી કામગીરી બતાવી બિમારીની દવાઓના વેચાણનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. ગુગલના માધ્યમથી અમેરિકામાં મોટેલ, સબ-વે અને લિકર શોપ સર્ચ કરીને તેમાં જે નંબરો મળે તેના ઉપર કોમ્પ્યુટર ડાયલરથી કોલ કરીને જુદી જુદી દવાઓની લોભામણી લાલચ આપવામાં આવતી હતી. 

અમેરિકામાં રહેતા ભારતીય ગ્રાહકોને દવા માટે લલચાવી ડોલર મેળવ્યા પછી દવા મોકલાતી નહોતી. જો દવા મોકલતા અને ગુણવત્તા અંગે ફરિયાદ આવે તો રિફંડ આપતા નહીં હોવાની કેફીયત પણ સંચાલક- ડાયરેક્ટર અભિષેકે પોલીસને આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે ઓફિસમાંથી 30 ફોન કબજે કર્યા

નવરંગપુરા પોલીસે દરોડો પાડયો ત્યારે ઓફિસમાં કોલીંગ ડાયલર ઉપર કામ કરતાં 23 યુવક-યુવતીઓ મળી આવ્યાં હતાં. આ તમામ લોકો યુ.એસ.થી જ બોલતા હોવાનું કહી અમેરિકામાં વસતા ભારતીયો સાથે વાત કરી દવાના બહાને છેતરપિંડીનું કારસ્તાન કરતા હતા. ઓફિસમાં મેનેજરો તરીકે કામ કરતા નિખીલ મહાવીરકુમાર જૈન, કરણસિંહ બળદેવસિંહ ચૌહાણ મળી આવ્યા હતા. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અભિષેક પાઠકના કોમ્પ્યુટરમાં જુદા જુદા દેશોના નંબર જનરેટ કરી શકાય તેવું સોફ્ટવેર પણ મળ્યું હતું. પોલીસે ઓફિસમાંથી કુલ 30 જેટલા ફોન પણ કબજે કર્યા હતા. 

અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા 4 - image

મુખ્ય સંચાલક સહિત ચાર આરોપીઓના રિમાન્ડ

અમદાવાદમાં બેઠાં બેઠાં અમેરિકામાં દવાના બહાને છેતરપિંડીના કેસમાં નવરંગપુરા પોલીસે મુખ્ય સંચાલક અભિષેક પાઠક ઉપરાંત નિખિલ જૈન, ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણને બે દિવસના રિમાન્ડ ઉપર મેળવ્યા હોવાનું નવરંગપુરા પી.આઈ. કે. એ. ગઢવીએ જણાવ્યું હતું. આરોપી છ-સાત મહિનાથી અમેરિકામાં ઠગાઈ ય આચરવા કોલ સેન્ટર ચલાવતો હતો. ડોલરમાં કેટલા પૈસા મેળવાયા? પૈસા ક્યાં ગયા? પકડાયેલા 24માંથી 23 કર્મચારીઓને કઈ રીતે લાવવામાં આવ્યા? તેમને કેટલો પગાર કમિશન આપવામાં આવતું હતું તે સહિતના મુદ્દે રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: દેશના 7 જ્વાળામુખીની યાદીમાં કચ્છના ધીણોધર પર્વતનો સમાવેશ, ગિરનાર-ચોટીલા અને બરડા ડુંગર પણ લાવાથી બન્યા

અમદાવાદ બેઠાં-બેઠાં અમેરિકામાં કોલ કરી ઠગાઈ આચરવા છ પાનાની સ્ક્રીપ્ટ

એજન્ટ: જયશ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો?

એજન્ટઃ મજામાં તમે કોણ?

એજન્ટ: એક્ચ્યુઅલી સની પટેલ વાત કરૂં છું. ગુજરાતી સમાજ ઓરેગનથી.

સોરી તમને ડિસ્ટર્બ કર્યા. ખાલી મેસેજ આપવાનો હતો એટલે તમને કોલ કર્યો છે. આપણા જેટલા પણ ગુજરાતી ભાઈ-બહેન યુ.એસ.માં વર્ષોથી રહે છે તેમની હેલ્થને ધ્યાનમાં રાખતા આપણે સમાજ દ્વારા એક ફ્રી આયુર્વેદિક કેમ્પ ઓર્ગેનાઈઝ કર્યો છે તેમાં આયુર્વેદીક એક્સપર્ટ પિનાકીન ત્રિવેદી છે. 15 વર્ષથી યુ.એસ.માં સેવા આપતા પિનાકીનભાઈના યુ.એસ.એ.માં 35-40 હજાર પેશન્ટ છે. છે. અત્યારે ઘરે ઘરે ડાયાબિટીસ, બ્લડપ્રેસર, કોલેસ્ટરોલ, થાઈરોઈડ જોવા મળે અને લોકો વર્ષોથી દવા લેતા હોય છે. પણ, આપણા એક્સપર્ટની દવાઓથી છ મહિનાની અંદર આ સમસ્યાઓ બંધ કરાવી દે છે. 

કોઈને વજન ન ઉતરતું હોય તો પણ એક્સરસાઈઝ, ડાયટ વગર ઉતારી આપીએ છીએ. માથામાં ટાલ, ચામડીના રોગ, પ્રેગનન્સી ઈસ્યૂ, નાના બાળકોમાં ઓટિઝમ, બાળક પ્રોપર બોલી ન શકતું હોય કે સમજી ન શકતું હોય તો આ બધામાં શું ખાવું, શું પીવું, શું ધ્યાન રાખવું, શું ઘરગથ્થુ ઉપચાર કરવા તેની ટોટલી એક્સપર્ટે એડવાઈઝ ફોન દ્વારા આપવામાં આવે છે.

આવી વાતચીત કરવાની કુલ છ પાનાના લખાણવાળી સ્ક્રીપ્ટ અમેરિકામાં વાત કરતાં ટેલીકોલરને ટીમ લિડર્સે થકી આપવામાં આવતી હતી.

અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા 5 - image

Tags :