છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના કારણે નહોતી કરાઈ 5 વર્ષની બાળકીની હત્યા? પોલીસ તપાસમાં નવો વળાંક
Chhota Udaipur Minor Girl Murder Case Update: છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધા છે. બોડેલી તાલુકાના પાણેજ ગામમાં બાળકીની હત્યા મામલે પોલીસે આરોપી ભુવા લાલુ તડવીને ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જોકે, આરોપી પૂછપરછ દરમિયાન તાંત્રિક વિધિનો ઈનકાર કરી સતત પોલીસને ભરમાવી રહ્યો છે. ક્યારેક આરોપી બહેનના ખૂનનો બદલો લેવાની વાત કરે છે, તો ક્યારેક બાળકીની માતા સાથે બોલાચાલી થવાના કારણે જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું જણાવે છે.
બહેનની મોતનો બદલો?
છોટા ઉદેપુરના પાણેજ ગામમાં બાળકીની બલિના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર બાબતે પોલીસે જણાવ્યું કે, પૂછપરછમાં આરોપીએ તાંત્રિક વિધિનો ઈનકાર કર્યો છે. આરોપીએ પૂછપરછમાં ગોળ-ગોળ જવાબ આપ્યાં છે. પહેલાં આરોપીએ કહ્યું કે, બાળકીના પિતાએ મારી બહેનનું ખૂન કર્યું હતું, જેથી મેં બદલો લેવા તેની દીકરીને મારી નાંખી. પરંતુ, જ્યારે તપાસ કરવામાં આવી તો તેની બંને બહેન જીવિત છે. જેથી, અમે વધુ પૂછપરછ હાથ ધરી તો તેણે આખી વાત ફેરવી નાંખી.
તાંત્રિક વિધિના કારણે નહતી કરાઈ હત્યા?
પોલીસે વધુ પૂછપરછ કરી ત્યારે આરોપીએ જણાવ્યું કે, બાળકીની માતા સાથે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. બાળકીના ગળા પર કુહાડી મારી તેના છાંટા મંદિર પર ઉડ્યા હતાં. આરોપી સતત બલિના ઈરાદે હત્યા કરી હોવાનો ઈનકાર કરી રહ્યો છે.
શું હતી ઘટના?
છોટા ઉદેપુરના બોડેલી તાલુકના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈને આવ્યો. બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી દીધી હતી. જોકે, આ ભૂવો ત્યાં સુધી અટકાયો નહતો અને અન્ય બલિ માટે પોતાના ઘરની સામે રહેતાં એક અન્ય બાળકને લઈ જઈ બલિ ચઢાવવાનું કાવતરૂ કરી રહ્યો હતો. જોકે, તે પહેલાં જ પોલીસને જાણ કરી દેવાતા બાળક બચી ગયો હતો.
સોમવારે (10 માર્ચ) સવારે 9 વાગ્યાના અરસામાં રાજુભાઈના બન્ને બાળકો ઘર નજીક રમતા હતા. જ્યારે તેની માતા નજીકમાં કપડાં ધોતી હતી. આ સમયે જ તાંત્રિક લાલુ ત્યાં આવ્યો હતો અને પાંચ વર્ષની બાળકીનો હાથ પકડીને તેને પોતાની ઓરડીમાં લઈ ગયો હતો. ઓરડીમાંથી બાળકીનો રડવાનો અવાજ આવતા તેની માતા કપડા ધોતા ધોતા ત્યાં દોડી ગઈ હતી. જો કે તે પહેલા તો તાંત્રિકે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. કુહાડીનો એક ઘા મારીને બાળકીનું માથું ધડથી અલગ કરી નાખ્યુ હતું મને ત્યાં મૂકેલી મૂર્તિઓ ઉપર બલિ ચઢાવીને બાળકીનું લોહી પણ ચઢાવ્યું હતું. આ દ્રશ્ય જોઈને બાળકીની માતાએ ચીસાચીસ કરી મૂકી હતી. જોકે, રાક્ષસી વૃત્તિના તાંત્રિકે લોહી નીતરતી કુહાડી ખભા ઉપર મૂકીને બાળકીની માતાને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને માતાની કોખમાં રહેલાં દોઢ વર્ષના બાળકને (મૃતક બાળકીના ભાઈ)ને ખેંચીને તેની પણ બલિ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન માતાએ પોતાની મૃતક બાળકીના મૃતદહેને પડતો મૂકી દોઢ વર્ષના બાળકને બચાવવા તાંત્રિક સાથે સંઘર્ષ કર્યો અને બાળકને બચાવી લીધો હતો. આ દરમિયાન બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકીની લાશ અને લોહી લોહાણ કૂહાડી જોઈ ક્રોધમાં આવી ગયા હતાં. બાદમાં લોકોએ તાંત્રિકને માર માર્યો અને તે જ સમયે પોલીસ પહોંચી જતાં લોકોએ તાંત્રિકને પોલીસના હવાલે કરી દીધો હતો.