Get The App

ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ

Updated: Mar 10th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ 1 - image


Chhota Udepur Minor Girl Killed: ગુજરાતમાં હૈયું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. છોટા ઉદેપુરમાં લાલુ તડવી નામના એક ભૂવાએ તાંત્રિક વિધિના નામે હત્યા કરી દીધી છે. ભૂવો આટલેથી ન અટકતાં અન્ય એક બાળકની બલિ ચઢાવવા લઈ જતો હતો, ત્યારે ગ્રામજનોએ આ ભૂવાને જોઈ જતાં તાત્કાલિક પોલીસને ફોન કરી ભૂવાને જેલના સળિયા પાછળ મોકલી દીધો છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

શું હતી ઘટના? 

છોટા ઉદેપુરના બોડેલી તાલુકના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈને આવ્યો. બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી દીધી હતી. જોકે, આ ભૂવો ત્યાં સુધી અટકાયો નહતો અને અન્ય બલિ માટે પોતાના ઘરની સામે રહેતાં એક અન્ય બાળકને લઈ જઈ બલિ ચઢાવવાનું કાવતરૂ કરી રહ્યો હતો. જોકે, તે પહેલાં જ પોલીસને જાણ કરી દેવાતા બાળક બચી ગયો હતો. 

આ પણ વાંચોઃ સુરતમાં તાંત્રિક વિધિના નામે ભુવાએ ભાભી પર આચર્યું દુષ્કર્મ, પરિવારે મોઢામાં ચંપલ મૂકી, વાળ કાપી મંગાવી માફી!

સોમવારે (10 માર્ચ) સવારે 9 વાગ્યાના અરસામાં રાજુભાઈના બન્ને બાળકો ઘર નજીક રમતા હતા. જ્યારે તેની માતા નજીકમાં કપડાં ધોતી હતી. આ સમયે જ તાંત્રિક લાલુ ત્યાં આવ્યો હતો અને પાંચ વર્ષની બાળકીનો હાથ પકડીને તેને પોતાની ઓરડીમાં લઈ ગયો હતો. ઓરડીમાંથી બાળકીનો રડવાનો અવાજ આવતા તેની માતા કપડા ધોતા ધોતા ત્યાં દોડી ગઈ હતી. જો કે તે પહેલા તો તાંત્રિકે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. કુહાડીનો એક ઘા મારીને બાળકીનું માથું ધડથી અલગ કરી નાખ્યુ હતું મને ત્યાં મૂકેલી મૂર્તિઓ ઉપર બલિ ચઢાવીને બાળકીનું લોહી પણ ચઢાવ્યું હતું. આ દ્રશ્ય જોઈને બાળકીની માતાએ ચીસાચીસ કરી મૂકી હતી. જોકે, રાક્ષસી વૃત્તિના તાંત્રિકે લોહી નીતરતી કુહાડી ખભા ઉપર મૂકીને બાળકીની માતાને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને માતાની કોખમાં રહેલાં દોઢ વર્ષના બાળકને (મૃતક બાળકીના ભાઈ)ને ખેંચીને તેની પણ બલિ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન માતાએ પોતાની મૃતક બાળકીના મૃતદહેને પડતો મૂકી દોઢ વર્ષના બાળકને બચાવવા તાંત્રિક સાથે સંઘર્ષ કર્યો અને બાળકને બચાવી લીધો હતો. આ દરમિયાન બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકીની લાશ અને લોહી લોહાણ કૂહાડી જોઈ ક્રોધમાં આવી ગયા હતાં. બાદમાં લોકોએ તાંત્રિકને માર માર્યો અને તે જ સમયે પોલીસ પહોંચી જતાં લોકોએ તાંત્રિકને પોલીસના હવાલે કરી દીધો હતો. 

પોલીસે હાથ ધરી તપાસ

હાલ પોલીસે આ લાલુ તડવી નામના ભૂવાની ધરપકડ કરી છે. ભૂવા સામે હાલ હત્યાનો ગુનો દાખલ કરી સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલ બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે. જોકે, ગ્રામજનો આ ઘટના બાદ ભય અને રોષમાં છે. લોકો પોતાના બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. 

નોંધનીય છે કે, કથિત રીતે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યમાં આવી ઘટના સામે આવતાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? 21 મી સદીમાં જ્યાં AI અને ડિજિટલ યુગની વાતો કરવામાં આવે છે, ત્યારે તાંત્રિક વિધિના નામે નાના ભૂલકાંઓની બલિ ચઢાવવામાં આવે છે. ત્યારે ગુજરાતની સુરક્ષાને લઈને એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. 

Tags :