Get The App

ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ 1 - image


Gujarat ATS : ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ATSએ મંગળવારે અલ કાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા શમા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી છે. પરવીન પર ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જેહાદી ષડયંત્ર રચવાનો અને દેશવિરોધી વીડિયો અપલોડ કરીને યુવાનોને જેહાદી કૃત્ય માટે ઉશ્કેરવાનો આરોપ છે, જે તેણે કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે. મહત્ત્વનું છે કે 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત ATSએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત કુલ 4 આતંકીઓની ધરપકડ કરી હતી, જે આતંકી જૂથની માસ્ટર માઈન્ડ શમા પરવીન હોવાની માહિતી મળી છે.



શમા પરવીન મૂળ ઝારખંડની છે અને હાલમાં બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં તેના ભાઈ સાથે રહે છે, જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ATSના અધિકારીઓ શમા પરવીનની પ્રવૃત્તિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા હતા. શમા પરવીન સોશિયલ મીડિયા અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા અલ કાયદાની વિચારધારા સાથે જોડાઈ હતી અને તેને ફેલાવવા સુધીની ગતિવિધિઓમાં સક્રિય હતી. એવી પણ આશંકા છે કે શમા પરવીન કેટલાક લોકોને સંગઠનમાં જોડીને કોઈ મોટા ષડયંત્રનો પ્લાન ઘડવાની તૈયારી કરી રહી હતી. ગુજરાત ATS હાલ શમા પરવીન પાસેથી વધુ માહિતી મેળવવા માટે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે, જેથી આતંકવાદી નેટવર્કના અન્ય સભ્યો અને તેમના સંભવિત ષડયંત્રોનો પર્દાફાશ કરી શકાય. 

આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, અલ કાયદા સાથે સંકળાયેલા 4 આતંકીની ધરપકડ


અલ કાયદા સાથે સંકળાયેલા 4 આતંકીની ધરપકડ

ગુજરાત ATSની ટીમે 23 જુલાઈએ અલ કાયદા AQIS સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી એકની દિલ્હીમાંથી અને એકની નોઇડામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બનાવટી નોટ રેકેટના 1 આરોપીની પણ ધરપકડ કરાઈ હતી. વોટ્સએપ ગ્રૂપ પર ચેટિંગ કરીને તેઓ બાકી લોકોને પણ જોડતા હતા. ગુજરાત ATSની ટીમે લાંબા સમયથી આ લોકો પર વોચ રાખી રહી હતી.

ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ 2 - image

ગુજરાત ATSએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી અલ કાયદાની વિચારધારા ફેલાવનારા ચાર આરોપીની ધરપકડ કરી હતી. જેમાં અમદાવાદના ફતેહવાડીથી મોહમ્મદ ફરદીન અને અરવલ્લી જિલ્લાના મોડાસાથી સૈફુલ્લા કુરેશી, દિલ્હીના ફરાસખાના વિસ્તારમાં રહેતો મોહમ્મદ ફૈક અને નોઇડાના સેક્ટર 63માંથી ઝિશાન અલીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Tags :