સકારાત્મક ચિત્ર: ગુજરાતમાં 1 વર્ષમાં 156 બાળકો દત્તક લેવાયા જેમાં 56% દીકરીઓ
Gujarat Adoption Data: ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 156 બાળકો દત્તક લેવામાં આવ્યા છે અને તેમાં 69 બાળકો અને 87 બાળકીઓનો સમાવેશ થાય છે. આમ, બાળકો કરતાં બાળકીને દત્તક લેવાનું વધુ પ્રમાણ યથાવત્ રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં દત્તક લેવાયેલા 560 બાળકોમાંથી 55 ટકા એટલે કે 305 દીકરીઓ અને 255 દીકરાઓ છે.
ગુજરાતમાં બાળક-બાળકીને દત્તક લેવાનું પ્રમાણ
આ પણ વાંચોઃ સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય
બાળકીઓને દત્તક લેવાની સંખ્યામાં વધારો
વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતમાંથી 64 બાળકો, 78 બાળકીઓને દેશમાં અને 5 બાળકો તેમજ 9 બાળકીઓને વિદેશમાં દત્તક લેવામાં આવી હતી. એક વર્ષમાં સૌથી વધુ બાળકો દત્તક લેવામાં આવ્યા હોય તેમાં 849 સાથે મહારાષ્ટ્ર મોખરે છે. 465 સાથે તામિલનાડુ બીજા નંબરે, 328 સાથે પશ્ચિમ બંગાળ ત્રીજા, 306 સાથે કર્ણાટક ચોથા અને 287 સાથે ઓડિશા પાંચમાં સ્થાને છે. દેશભરમાં એક વર્ષમાં 4155 બાળકોને દેશમાં, 360 બાળકોને વિદેશમાં દત્તક લેવાયા છે. સમગ્ર દેશમાંથી કુલ 4515ને દત્તક લેવામાં આવ્યા છે અને તેમાં 1961 બાળકો તેમજ 2554 બાળકીઓનો સમાવેશ થાય છે.
એક વર્ષમાં કયા રાજ્યમાંથી સૌથી વધુ બાળકો દત્તક લેવાયા? (આંકડા 2024-25)
રૂઢિચુસ્તતાનો અંત?
જાણકારોના મતે ‘દીકરી એટલે સાપનો ભારો' તેવી અત્યંત રૂઢિચુસ્ત-અત્યંત નિમ્ન કક્ષાની માનસિકતામાંથી સમાજ બહાર આવી રહ્યો છે અને હવે સમાજમાં ધીરે-ધીરે પરિવર્તનનો સકારાત્મક પવન ફૂંકાવવા લાગ્યો છે. માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવતા બાળકોમાં પણ દીકરીઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.
દીકરીઓને દત્તક લેવાના મુખ્ય કારણો
શિશુગૃહ સાથે સંકળાયેલાઓના મતે દત્તક સંતાન લેવા માટે આવતાં 80 ટકા દંપતિઓ સંતાન તરીકે દીકરીઓને જ પસંદ કરે છે. એટલું જ નહીં અગાઉ પોતાનું ખુદનું સંતાન દીકરી હોય તો પણ બીજા સંતાન તરીકે દીકરી જ દત્તક લેવાનું પસંદ કરતાં હોય તેવા માતા-પિતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. દંપતિઓનું માનવું હોય છે કે દીકરા કરતાં દીકરી તેમને આજીવન સાથ આપશે. શહેરી જ નહીં હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દંપતિઓ પણ હવે સંતાન તરીકે દીકરી જ વધુ પસંદ કરે છે. તેઓ એટલે સુધી કહે છે કે આ દીકરીને ખૂબ જ ભણાવી-ગણાવીને પગભર કરીશું.
955 બાળકો માતા-પિતાની રાહમાં
સમગ્ર દેશમાં હાલ 955 બાળકો કોઈ માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવે તેની રાહમાં છે. જેની સામે 36450 દંપતિઓએ સંતાનને દત્તક લેવા અરજી કરી છે. આ પૈકી 327 NRI, 33145 ભારતીય, 11 વિદેશી અને 227 વિદેશનું નાગરિકત્વ મેળવનારા ભારતીયો છે.