'લખપતિ દીદી' યોજનામાં પણ ગુજરાત રાજ્ય પાછલી હરોળમાં, કેન્દ્રએ 267 કરોડ આપવાની માત્ર વાતો કરી
Image: AI |
Lakhpati Didi Scheme: એકબાજું મહિલા સશક્તિકરણની સુફિયાણી વાતો કરવામાં આવે છે, ત્યારે તેઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતમાં તેમને પૂરતું પ્રોત્સાહન પણ આપવામાં નથી આવતું. અન્ય રાજ્યો કરતાં ગુજરાત આ મામલે પાછલી હરોળમાં રહ્યું છે. કેન્દ્રએ ગુજરાતને 'લખપતિ દીદી યોજના' અંતગર્ત 267 કરોડ આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ હજુ સુધી ફદિયુ પણ આપ્યું નથી.
શું છે લખપતિ દીદી યોજના?
ગુજરાતમાં બેરોજગારીએ ફેણ માંડી છે. શહેરો ઉપરાંત ગામડાઓમાં બેરોજગારીને કારણે મહિલાઓ રોજી મેળવવા ઉત્સુક બની છે. કારમી મોંધવારીમાં પુરૂષને સહકાર આપી પરિવારનું જીવનનિર્વાહ કરવા મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહી છે. લખપતિ દીદી યોજના અંતર્ગત મહિલાઓને વેપાર, ધંધા, વ્યવસાય માટેની સમજ, લોન, સબસિડી ઉપરાંત માર્કેટિંગ સહિત અન્ય લાભ આપવામાં આવે છે.
ગુજરાતમાં 6 લાખ લખપતિ દીદી
સંસદમાં રજૂ થયેલાં રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 6,06,805 લખપતિ દીદી છે જેમણે આ યોજનાનો લાભ મેળવ્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં 22.69 લાખ, આંધ્રપ્રદેશમાં 17.41 લાખ, મધ્યપ્રદેશમાં 12.84 લાખ, ઉત્તરપ્રદેશમાં 11.15 લાખ, પશ્ચિમ બંગાળમાં 11.59 લાખ, ઓડિસામાં 7.80 લાખ મહિલાઓ લખપતિ દીદી યોજના બની હતી. વિકસિત ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં મહિલાઓએ લખપતિ દીદી યોજનાનો વધુ લાભ મેળવ્યો હતો. મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતને પૂરતું પ્રોત્સાહન જ નથી મળતું.
રિપોર્ટમાં થયા ખુલાસા
આ રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે, કેન્દ્રસરકારે લખપતિ દીદી યોજના માટે બિહાર, છત્તીસગઢ, ઓડિસા, હરિયાણા, પંજાબ, અરુણાચલ, તામિલનાડુ સહિત અન્ય રાજ્યોને લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની લ્હાણી કરી છે. જ્યારે આ યોજના અંતર્ગત કેન્દ્રએ ગુજરાતને 267 કરોડ આપવા મોટા ઉપાડે જાહેરાત કરી હતી. પણ અત્યાર સુધી કાણી પાઇની ગ્રાન્ટ આપી નથી.