ગુજરાતમાં 83 ટકા માર્ગ અકસ્માતથી મોત ઓવરસ્પીડના કારણે થાય છે : NCRBનો રિપોર્ટ
Gujarat Accidental Death Report 2023 : ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતોમાં કુલ 7,854 લોકોના મોત થયા છે, જે પૈકી 6,594 લોકોના મોત ઓવરસ્પીડથી વાહન ચલાવવાની ઘટનામાં થયા હોવાનો ઘટસ્ફોટ એક્સિટેન્ટલ ડેથ એન્ડ સ્યુસાઈડ ઈન ઈન્ડિયા રિપોર્ટ 2023માં કરવામાં આવ્યો છે.
અગાઉના વર્ષોની સરખામણીમાં, રાજ્યમાં વર્ષ 2023માં માર્ગ અકસ્માતોની સંખ્યામાં લગભગ 3.6 ટકા જેટલો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 16,349 માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જ્યારે વર્ષ 2022માં માર્ગ અકસ્માતની ઘટના 15,777 હતી.
ઓવરસ્પીડિંગ માર્ગ અકસ્માત મૃત્યુમાં મોખરે
ગુજરાતમાં 83.95 માર્ગ અકસ્માત મોત ઓવરસ્પીડથી વાહન ચલાવવાના કારણે થાય છે. વર્ષ 2023માં રાજ્યમાં બનેલા 16,349 માર્ગ અકસ્માતમાં 15,383 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જૈ પૈકી 12,653 લોકોને ઓવસ્પીડિંગના કારણે ઈજાઓ થઈ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યમાં જોખમી, બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અથવા ઓવરટેકિંગ કરવાના કારણે 816 લોકોના મોત થયા હતા, જ્યારે જ્યારે 1,812 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. માર્ગ અકસ્માતમાં જીવ ગુમવનારા કુલ 7,854 લોકો પૈકી 4,406 વ્યક્તિઓએ હાઈવે પર અકસ્માતોમાં મૃત્યુ પામ્યા હતા. 2,267 લોકોએ સ્ટેટ હાઈવે પર અને 2,139 વ્યક્તિઓએ નેશનલ હાઈવે પર બનેલી અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં જીવ ગુમાવ્યા હતા. એક્સપ્રેસ-વે પર માર્ગ અકસ્માતમાં 55 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં 535 લોકોએ જીવ ગુમાવ્યા
વર્ષ 2023માં અમદાવાદમાં બનેલી 1,767 માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 535 લોકોના મોત, જ્યારે 1,347 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ જ રીતે સુરતમાં બનેલા 650 માર્ગ અકસ્માતમાં 309 લોકોના મોત, જ્યારે વડોદરામાં 199 લોકોએ, તો રાજકોટમાં 178 વ્યક્તિઓએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.
3,833 વ્યક્તિઓએ ટુ-વ્હીલર સંબંધિત માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા
રાજ્યમાં 3,833 લોકોએ ટુ-વ્હીલર સંબંધિત માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા, જ્યારે 1,025 વ્યક્તિઓ SUV, કાર અને જીપ સંબંધિત માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને 3,125 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રદેશમાં ટ્રક, લોરી અને મિની-ટ્રક સંબંધિત અકસ્માતમાં 412 લોકોના મોત થયા હતા, જ્યારે 772 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2023માં ગુજરાતમાં રિક્ષા અથવા થ્રિ-વ્હીલર સંબંધિત માર્ગ અકસ્માતમાં 519 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
સાંજના પીક અવર્સમાં વધુ માર્ગ અકસ્માત
રાજ્યમાં લગભગ 21 ટકા માર્ગ અકસ્માત એટલે કે, દર 5માંથી 1 ઘટના સાંજના પીક અવર્સ દરમિયાન સાંજે 6 થી 9ના સમયગાળા દરમિયાન બની હતી. જ્યારે 2,719 માર્ગ અકસ્માતની ઘટના બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન બની હતી. આમ બપોરના 3 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીના સમયગાળામાં કુલ 38 ટકા અકસ્માત સર્જાય હતા.
વર્ષ 2023માં ગુજરાતમાં માર્ગ અકસ્માતના સૌથી વધુ 1,575 બનાવ મે મહિનામાં બન્યા હતા, ત્યારબાદ જાન્યુઆરીમાં 1,493 અને માર્ચ -2023માં 1,447 માર્ગ અકસ્માતની ઘટના બની હતી.
આ પણ વાંચો : ગુજરાત ભાજપના નવા 'સુકાની' કોણ? 4 ઓક્ટોબરે થશે ઘોષણા, ચૂંટણી કાર્યક્રમ જાહેર