Get The App

નકલી પોલીસ બનીને ગુનાખોરી કરવામાં ગુજરાત દસમા ક્રમે, યુપી-મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચે

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
નકલી પોલીસ બનીને ગુનાખોરી કરવામાં ગુજરાત દસમા ક્રમે, યુપી-મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચે 1 - image


Fake Police: હાલમાં જ સુરતમાં અણીયાળી મૂછો, સિવિલ ડ્રેસમાં હાથમાં વોકી ટોકી લઈને સુરતના ગરબા ઇવેન્ટમાં પ્રવેશતાં રત્નકલાકાર યુવરાજ રાઠોડને પોલીસે ઝડપી પાડ્યો હતો. થોડા મહિના પહેલા નયન પરમાર અને ગૌરાંગ ભીલ નામના બે યુવાનો એસઓજીના ડુપ્લિકેટ આઇકાર્ડ સાથે ઝડપાયા હતા. આ બંને શખસોએ તોડ કરવા માટે એસઓજીના આઇકાર્ડ બનાવડાવ્યા હતા. વધુ તપાસ કરતા બંને જણા ઝડપાયા હતા.

આ પણ વાંચોઃ 27 ભારતીય નાગરિકોને રશિયાએ યુદ્ધ લડવા મોકલી દીધા, પાછા મોકલવા કેન્દ્ર સરકારની અપીલ

નવરાત્રિ કે તહેવારોમાં પોતાની સારી ખાતીરદારી કે રોફ જમાવવા કે પૈસા પડાવવા આ વર્ષે 37 જેટલા નકલી પોલીસકર્મીઓ ગુજરાત પોલીસની અડફેટે ચઢ્યા છે. જેમાં આર્થિક તોડબાજીમાં 3, ડિજિટલ એરેસ્ટમાં પોલીસના સ્વાંગમાં 17, લોકોમાં રોફ જમાવનારા નકલી પોલીસના સ્વાંગમાં 4, ગુનાઇત પ્રવૃત્તિ કરવા માટે 2 અને 11 જેટલાં પૈસા કમાવવાના શોર્ટ કટથી પ્રેરાઈને નકલી પોલીસ બનીને છેતરપિંડી કરતાં પકડાયા છે. 

કેમ બને છે નકલી પોલીસ? 

નેશનલ ક્રાઇમ રેકોર્ડ અનુસાર, દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં નકલી સ્વાંગમાં ફરતા અધિકારીઓ અને પોલીસ કર્મીઓનું પ્રમાણ વિશેષ છે. દર વર્ષે સૌથી વધુ નકલી પોલીસ ઉત્તર પ્રદેશમાંથી પકડાય છે. ત્યાર બાદ મહારાષ્ટ્રમાંથી પકડાય છે. કર્ણાટક ત્રીજા ક્રમે છે અને દિલ્હી ચોથા ક્રમે આવે છે. પાંચમા ક્રમે બિહાર છે. નકલી પોલીસને પકડાવામાં ગુજરાતનો ક્રમ દસમો છે.  આ પ્રકારના ગુનામાં ગુજરાત પછી દેશના અન્ય ત્રેવીસ રાજ્યોનો સમાવેશ થાય છે. નવરાત્રિના તહેવારોમાં વિશેષરુપે  ગરબાના પાસ અને મોડી રાત્રે ફરતાં યુવાઓને બ્લેક મેઇલ કરવાના હેતુથી પોલીસથી ચેતવા માટે ગુજરાત પોલીસ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ 'ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાઈ જવાનું...' UNના મંચ પર ભારતે પાકિસ્તાનની પોલ ખોલી

પોલીસના સ્વાંગ કરીને ડુપ્લિકેટ અધિકારી કે પોલીસ બનવા અંગે શહેરના જાણીતા મનોવૈજ્ઞાનિક જણાવે છે કે મોટા ભાગના આ પ્રકારના ડુપ્લિકેટ ઈમ્પર્સોનિફિકેશન કરતાં વ્યક્તિઓનો મુખ્ય હેતુ ફ્રોડ છે. આ પ્રકારના મોટા ભાગના કેસોની માનસિકતામાં નાણાંકીય ખંડણીઓ, સ્કેમ, પોતાનો રોફ બતાવવો, અસમાજિક પ્રવૃત્તિ કે લોકોમાં ભય પેદા કરવો. ઓછી મહેનતે વધુ પૈસા મેળવવાની ભાવના રહેલી હોય છે. 

ઘણાં એવા પણ હોય છે કે પોતે પોલીસમાં જવા માંગતા હોય અને ના જઈ શક્યા હોય તો આ પ્રકારે પોતાની ઈચ્છાઓ પૂરી કરતા જોવા મળે છે. પોલીસમાં ના જઈ શક્યા હોય તેવા લોકોનો મુખ્ય મોટીફ પોતાનો રોફ જમાવવાનો હોય છે.  

એક વર્ષમાં જ 20 નકલી પોલીસ ઝડપાયા

છેલ્લા એક જ વર્ષમાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં 20 જેટલાં નકલી પોલીસ કોન્સ્ટેબલ કે અધિકારી ઝડપાયા છે. આ ઉપરાંત ડિજિટલ એરેસ્ટ થકી પોલીસના સ્વાંગમાં તોડ કરતાં 17 જેટલા શખ્સો પકડાયા છે.  શાળાઓ, કૉલેજો, ઈવેન્ટમાં, કોઈ જગ્યાએ મફતમાં પ્રવેશ મેળવવા કે પોલીસના નામે તોડ કરવા 20 જેટલાં પોલીસના સ્વાંગમાં ફરતાં ફેક લોકોને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે.

Tags :