27 ભારતીય નાગરિકોને રશિયાએ યુદ્ધ લડવા મોકલી દીધા, પાછા મોકલવા કેન્દ્ર સરકારની અપીલ
Indians In Russian Army: રશિયાએ યુક્રેન યુદ્ધમાં ઘણાં ભારતીયોને પણ તહેનાત કર્યા છે. ભારતે રશિયાને અપીલ કરી છે કે તે તાજેતરમાં રશિયાની સેનામાં ભરતી થયેલા 27 વધુ ભારતીય નાગરિકોને મુક્ત કરે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'ભારતીયો રશિયાની સેનામાં સેવા આપી રહ્યા છે અને તેમના પરિવારો પાસેથી આ માહિતી મેળી છે.'
રશિયાના દૂતાવાસ સમક્ષ આ મુદ્દો મજબૂતીથી ઊઠાવ્યો
પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'અમારી માહિતી મુજબ 27 ભારતીય નાગરિકો હાલમાં રશિયાની સેનામાં સેવા આપી રહ્યા છે. અમે આ બાબતે તેમના પરિવારો સાથે પણ સતત સંપર્કમાં છીએ. અમે ફરી એકવાર બધાં ભારતીય નાગરિકોને રશિયાની સેનામાં સેવા આપવાની ઓફરોથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ કારણ કે આ જોખમી છે.'
ભારતીયોને મુક્ત કરવા અંગે રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'અમે મોસ્કોમાં રશિયન અધિકારીઓ અને નવી દિલ્હીમાં રશિયાના દૂતાવાસ સમક્ષ આ મુદ્દો મજબૂતીથી ઊઠાવ્યો છે અને તેમને (ભારતીયોને) શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરવા અપીલ કરી છે.'
રશિયાની સેનામાં બળજબરીથી ભરતી કરવા અંગે રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થી અને બિઝનેસ વિઝા પર કેટલાક ભારતીયોને યુક્રેનમાં યુદ્ધ મોરચે તહેનાત રશિયાની સેનામાં બળજબરીથી ભરતી કરવામાં આવ્યા છે. ભારતે વારંવાર રશિયાને અપીલ કરી છે કે રશિયાની સેનામાં રસોઈયા અને મદદગારો જેવા સહાયક કર્મચારીઓ તરીકે કામ કરતા તમામ ભારતીયોને મુક્ત કરવામાં આવે.'
આ પણ વાંચો: 'ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાઈ જવાનું...' UNના મંચ પર ભારતે પાકિસ્તાનની પોલ ખોલી
યુક્રેન સામેના યુદ્ધમાં 12 ભારતીયો મોત
ઉલ્લેખનીય છે કે, 2024માં રશિયાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દો ઊઠાવ્યો હતો. સત્તાવાર આંકડાઓ અનુસાર, રશિયાની સેનામાં ભરતી થયેલા ભારતીયોની સંખ્યા હવે 150થી વધુ થઈ ગઈ છે. યુક્રેનમાં સંઘર્ષની આગળની હરોળમાં લડતા ઓછામાં ઓછા 12 ભારતીયો માર્યા ગયા છે, જ્યારે 96ને રશિયન અધિકારીઓ દ્વારા રજા આપવામાં આવી છે. અન્ય 16 ગુમ જાહેર કરવામાં આવ્યા છે.