ખેતરમાં ઝટકા મશીનનો કરંટ લાગતા GRD જવાન સહિત બેના મોત, ભરૂચના ગુંદિયા ગામની ઘટના
AI Image |
Bharuch Electric Shock: ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં એક કરૂણ ઘટના બની છે, જેમાં ખેતરમાં મૂકવામાં આવેલા ઈલેક્ટ્રિક ઝટકા મશીનનો કરંટ લાગતા બે લોકોના મોત થયા છે. મૃતકોમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે. પોલીસે હાલ બંનેના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
ભરૂચના વાલિયાના ગુંદિયા ગામમાં વીજ કરંટના કારણે બે લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ, પાકને બચાવવા ખેતરમાં લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક ઝટકા મશીનના તારને અકસ્માતે અડી જવાથી દુર્ઘટના સર્જાઈ હતી. સવિતા વસાવા અને પ્રવીણ વસાવા નામના શખસ ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણતા તારને અડી જવાથી જોરદાર કરંટ લાગ્યો અને બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતક પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકમાં ગ્રામ રક્ષક દળ (GRD)માં સેવા આપતા. હાલ, આ મોતથી GRD જવાનો સહિત બંનેના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતા સ્થાનિકોએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં પોલીસે બંને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ, પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ 45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર
ગ્રામજનોનો આક્ષેપ
આ ઘટનાને લઈને ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે, ખેતરોમાં વીજ પ્રવાહી તાર લગાવવાની પ્રથા જોખમી છે અને આના કારણે અનેકવાર જાનહાનિ થઈ ચુકી છે. તેમ છતાં સત્તાધીશો દ્વારા આ પ્રક્રિયા સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી.