Gujarat

નરોડામાં રહેતા યુવક-યુવતીએ દેશભરમાં એસકોર્ટ નેટવર્ક બનાવ્યું હતું

By GS TEAM
11 Mar 20261 min read
નરોડામાં રહેતા યુવક-યુવતીએ  દેશભરમાં એસકોર્ટ નેટવર્ક બનાવ્યું હતું

અમદાવાદ, બુધવાર

ઇડી અને ગોવા પોલીસે થોડા દિવસ પહેલા ગોવાના પણજીમાં દરોડાની કાર્યવાહી કરીને કોકેઇનના જથ્થા સાથે ચિરાગ દુધાત સહિત ચાર લોકોની ધરપકડ કરીને મોટુ રેકેટ ઝડપી લીધું હતું. ચિરાગ દુધાતના મોબાઇલ ફોન અને તેની પુછપરછમાં ચોંકાવાનારો ખુલાસો થયો હતો કે ચિરાગ દુધાત ગર્લ ફ્રેડ માહી સાથે મળીને સમગ્ર દેશમાં એસકોર્ટ સર્વિસનું મોટુ નેટવર્ક ચલાવતો હતો. તેના મોબાઇલ ફોનમાંથી પોલીસને યુવતીઓના ફોટાગ્રાફ્સ અને અન્ય વિગતો મળી હતી.

નોર્થ ગોવામાં પોલીસ અને ઇડીએ પણજીમાં સંયુક્ત દરોડા પાડીને નીબુ વિનસેન્ટ, રેશ્મા વાડેકર, માંગેશ વાડેકર અને ચિરાગ દુધાત નામના આરોપીઓને ૪૩ કરોડની કિંમતના કોકેઇનના મોટા જથ્થા ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરેલા મોબાઇલ ફોનને તપાસ માટે ફોરેન્સીક લેબમાં મોકલતા પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી કે ચિરાગ દુધાતના મોબાઇલમાં સેક્સ રેકેટના ડેટા હતા.

જેમાં તેની સાથે દેવનંદન સંકલ્પ સીટી નરોડામાં રહેતી પ્રેમિક માસુમ ઉર્ફે માહી સાથે મળીને દેશભરમાંથી સેક્સ રેકેટ ચલાવતો હતો અને યુવતીઓને વિવિધ ગ્રાહકોને પુરા પાડતો હતો. પોલીસને તેના મોબાઇલ ફોનમાંથી યુવતીઓના ફોટો, પ્રોફાઇલ અને તેમના પ્રાઇઝ લિસ્ટ તેમજ અન્ય વિગતો મળી હતી. આમ, બને જણા નરોડાથી સેક્સ રેકેટ ચલાવતા હોવાથી અમદાવાદમાં ગુનો બનતો હોવાના કારણે ગોવા પોલીસના રિપોર્ટના આધારે ક્રાઇમબ્રાંચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.