વડોદરામાં અલકાપુરીના જ્વેલર્સ શોરૂમમાં અપટુ ડેટ મહિલાઓએ 10 લાખના દાગીના ચોરીના બનાવની સૂત્રધાર પકડાઈ

Vadodara Theft Case : વડોદરાના અલકાપુરી વિસ્તારના જ્વેલર્સ શોરૂમમાં અપટુ ડેટ થઈ આવેલી મહિલાઓએ દસ લાખ ઉપરાંત ની કિંમતની બંગડીઓ ચોરી કર્યાના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
જેતલપુર રોડ પર આવેલા પી.એન.ગાડગીલ જ્વેલર્સ શોરૂમમાં ગઈ તા.8મીએ બપોરે કર્મચારીઓ લંચમાં હતા તે દરમિયાન ગ્રાહક બનીને આવેલી અપટુડેટ મહિલાઓએ એક પછી એક દાગીના કઢાવ્યા હતા અને ખરીદી કર્યા વગર પરત ફરી હતી.
સાંજે સ્ટોકમાં દસ લાખની કિંમતની આઠ બંગડીઓ ઓછી જણાતા સીસીટીવીએ ચેક કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન મહિલાઓ બંગડીઓ ચોરી જતી દેખાઈ હતી. જેથી મેનેજરે પોલીસ ફરિયાદ કરી હતી.
આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને સીસીટીવી ફૂટેજ માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા ચારે મહિલાઓ ઓળખાઈ હતી. આ ગેંગની સૂત્રધાર સંજુ રવિન્દ્ર ગજોદર ગુપ્તા (ઝરૌલી ફૈઝ-2, થાના ગુંજેની, કાનપુર, યુપી)ને જેતલપુર રોડ પર લલિતા ટાવર પાસેથી પોલીસે ઝડપી પાડી છે.
પૂછપરછ દરમિયાન તેની સાથે આવેલી કાનપુરની ત્રણ બહેનપણીઓના નામો ખુલ્યા છે. જેમાં પ્રાચી ઉર્ફે પૂજા પ્રશાંત તિવારી, અર્ચના મહેશ સિંહ અને સોની કમલનો સમાવેશ થાય છે. પકડાયેલી સંજુ ગુપ્તા અગાઉ ચિત્રકૂટમાં પણ જ્વેલર્સ શોરૂમમાં દાગીના ચોરી કરતા પકડાઈ હોવાની વિગતો જાણવા મળી છે.

