ભારે વિરોધ બાદ સરકારનો યુ-ટર્ન, વિચરતી વિમુક્ત જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય મળશે
Ahmedabad News: રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ફી, પરીક્ષા ફી તેમજ શિક્ષણ ફી પેટે અપાતી સહાય મુદ્દે નવો ઠરાવ કરવામા આવ્યો હતો. જે અનુસાર, આ વર્ષથી ડિપ્લોમા કોર્સીસમાં ખાનગી કોલેજોમાં પ્રવેશ લેતા આ જાતિના વિદ્યાર્થીઓને સહાય નહીં આપવાની જોગવાઈ કરાઈ હતી. જેને પગલે ભારે વિરોધ થયો હતો અને ડિપ્લોમા કોલેજ એસોસિયેશને આ મુદ્દે ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. જેને પગલે અંતે સરકારે ઠરાવ સુધાર્યો છે અને હવે આ વર્ષે ડિપ્લોમા કોર્સીસ ધોરણ 10 પછીના કોર્સીસમાં પ્રવેશ લેનારા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને સહાય મળશે.
જાણો શું છે મામલો
સરકારે ગત વર્ષે ખાનગી કોલેજોના મેનેજમેન્ટ ક્વોટા-વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ લેનારા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ નહીં આપવાનો ઠરાવ પ્રવેશ પ્રક્રિયા પુરી થવા આવી ત્યારે કર્યો હતો. તે જ રીતે આ વર્ષે વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણ સહાય ન આપવાનો વિવાદીત ઠરાવ થોડા દિવસ પહેલા કર્યો હતો. જેમાં આ વર્ષથી માત્ર યુજી અને પીજીમાં જ ખાનગી કોલેજોમાં અભ્યાસ બદલ વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને સહાય મળશે તેવી જોગવાઈ કરાઈ હતી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે સહાય બંધ કરાઈ હતી.
આ પણ વાંચો: આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ - પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો
વિરોધ અને રજૂઆતો બાદ અંતે સરકારે ઠરાવ સુધાર્યો
વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં અપાતી સહાય યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન ફી, પરીક્ષા ફી તેમજ શિક્ષણ ફી પેટે વાલીની વાર્ષિક 2 લાખ રૂપિયાની આવક મર્યાદામાં સહાય આપવામા આવે છે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ફી, પરીક્ષા ફી અને શિક્ષણ ફી પેટે વાર્ષિક ખરેખર કુલ ફી કે વધુમાં વધુ 50 હજાર બંનેમાંથી ઓછુ હોય તેટલી શિષ્યવૃત્તિ રકમ ડાયરેક્ટ બેંકથી ટ્રાન્સફર કરાય છે. ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરીથી માંડી આઈટીઆઈ અને ઓક્ઝિલરી નર્સિંગના વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને આ સહાય મળતી હતી. પરંતુ સરકારે ઠરાવ કરીને ડિપ્લોમાની જોગવાઈ કાઢી નાખી હતી. જેથી આ વર્ષે ડિપ્લોમા ઈજનેરી, ડિપ્લોમા ફાર્મસી, ઓક્ઝિલરી નર્સિંગ અને ડીએમએલટી તથા લેબ ટેકનિશિયન સહિતના કોર્સીસમાં પ્રવેશ લેનારા 3થી 4 હજાર વિદ્યાર્થીઓ મોટી મુસીબતમાં મુકાયા હતા.
પ્રવેશ રદ કરવો પડે તેવી સ્થિતિમાં ડિપ્લોમા ઈજનેરી કોલેજ એસોસિયેશને આ મુદ્દે સરકારને રજૂઆત કરી હતી અને સહાય આપવા માંગણી કરી હતી. કારણકે પ્રવેશ થઈ ગયા બાદ સરકારે ઠરાવ કર્યો હતો અને વિદ્યાર્થીઓને 50 હજારની સહાયની સામે પીએમ યશસ્વી સહિતની યોજનામાં ખૂબ જ ઓછી સહાય મળે તેમ હતી. જેથી નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા વિરોધ-રજૂઆતોને પગલે સરકારે અંતે ઠરાવ સુધાર્યો છે અને હવે આ વર્ષે ડિપ્લોમા સહિતના ધોરણ 10 પછીના કોર્સીસમાં પ્રવેશ લેનારા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને સહાય મળશે.