Get The App

'વિરોધીઓ લાલચ કે પૈસા આપે તો લઈ લેજો...' કડી વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારમાં ગેનીબહેન ગર્જ્યા

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
'વિરોધીઓ લાલચ કે પૈસા આપે તો લઈ લેજો...' કડી વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારમાં ગેનીબહેન ગર્જ્યા 1 - image


Kadi By-Election: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. એવામાં ગેનીબહેન કડી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાના પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. ગેનીબહેને કડી બેઠક પર કોંગ્રેસનો પ્રચાર કરતાં સમયે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, 'ભાજપ લોભ-લાલચ રૂપે પૈસા કે વસ્તુ આપે તો લઈ લેજો અને પછી કોંગ્રેસને મત આપજો.'

ગેનીબહેને ભાજપ પર કર્યા પ્રહાર

ગેનીબહેન કડી બેઠક પર કોંગ્રેસનો પ્રચાર કરવા માટે રાજપુર પ્રચાર સભામાં ભાગ લીધો હતો. રાજપુર ખાતે યોજાયેલી પ્રચાર સભામાં ગેનીબહેને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, તમારા ગામમાં આવી છું અને તમે મને સાડી ઓઢાડી છે તો તેનું માન રાખજો. એવામાં જો ચૂંટણી જીતવા માટે ભાજપવાળાઓ નાની-મોટી લોભ-લાલચ આપે કે, પૈસા આપે તો લઈ લેજો. કારણ કે, એમણે કંઈ મજૂરી કરીને ભેગા કરેલા પૈસા નથી. ભાજપ પૈસા આપે એ લઈ લેજો, વાપરવા હોય તો વાપરજો અને ન વાપરવા હોય તો રમેશભાઈના કામમાં વાપરજો પણ છેલ્લે વોટ કોંગ્રેસને આપજો.'

આ પણ વાંચોઃ વડોદરા કોર્પોરેશનની બેદરકારીનો વધુ એક નમૂનો ઈલેક્ટ્રીક કેબલ તુટતા વીજ પુરવઠો ખોરવાયો

ચૂંટણી પંચને અપીલ

આ વિશે ગેનીબહેને ચૂંટણી પંચ અને વહીવટી તંત્રને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે અપીલ કરતાં કહ્યું કે, 'અધિકારીઓ, પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ છીએ કે, આ લોકશાહી છે અને લોકશાહીમાં સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી વહીવટી તંત્ર અને ચૂંટણી પંચની હોય છે. પરંતુ, જો એ લોકો ભાજપના દબાણમાં આવીને, બે નંબરના ધંધાની છૂટ મળે એ માટે અથવા સારું પોસ્ટિંગ મળે એ માટે કોઈપણ પ્રકારના લોભ-લાલચમાં કે દબાણમાં આવીને કોંગ્રેસના કોઈ કાર્યકર્તાને વહીવટી તંત્રએ કે પોલીસે હેરાન કરવાનો પ્રયાસ કર્યો તો એમની સામે પણ લડવા માટે ગેનીબહેન અને બળદેવજી સક્ષમ છે.'

'વિરોધીઓ લાલચ કે પૈસા આપે તો લઈ લેજો...' કડી વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારમાં ગેનીબહેન ગર્જ્યા 2 - image

રમેશ ચાવડા ચૂંટણી મેદાને

નોંધનીય છે કે, કોંગ્રેસે કડી વિધાનસભા બેઠક પરથી રમેશ ચાવડાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. રમેશ ચાવડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. રમેશ ચાવડા વર્ષ 2012માં ચૂંટણીમાં હિતુ કનોડિયાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. જ્યારે વર્ષ 2017માં ચૂંટણી વખતે રમેશ ચાવડા ભાજપના કરસન સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા.

આ પણ વાંચોઃ જામનગરમાં એસટી ડેપો રોડ પર સિવિલ ડ્રેસમાં આવેલા ટ્રાફિક પોલીસ કર્મીએ ચાલુ કારમાં લોક મારી દેતાં હોબાળો

કડી અને વિસાવદરની બેઠક કેમ ખાલી થઈ બેઠક?

ગુજરાતની વાત કરીએ તો, કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. 

કઈ તારીખે યોજાશે પેટા ચૂંટણી?

આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.

Tags :