અમેરિકામાં હવે ટામેટાં બાદ ઈંડા દ્વારા ખતરનાક બેક્ટેરિયા ફેલાયો, ખાદ્ય સુરક્ષા સામે સવાલ ઊઠ્યાં
Representative image |
Salmonella Outbreak In America: અમેરિકામાં કાકડી, ડુંગળી અને ટામેટા પછી, હવે ઈંડાથી સાલ્મોનેલા નામના બેક્ટેરિયાથી લોકો સંક્રમિત થઈ રહ્યો છે. અમેરિકાના વિવિધ રાજ્યોમાં સાલ્મોનેલા સંક્રમણના અનેક કેસએ અધિકારીઓની ઊંઘ ઉડાવી દીધી છે. ખાદ્ય પદાર્થોમાં આ બેક્ટેરિયા ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
ઈંડા ફેંકી દેવા લોકોને અપીલ
અહેવાલો અનુસાર, કેલિફોર્નિયા સહિત સાત રાજ્યોમાં ઈંડા ખાવાથી લગભગ 80 લોકો બીમાર પડ્યા હતા. આમાંથી ઘણા કેસ ગંભીર છે. અત્યાર સુધીમાં 21 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સરકાર દ્વારા લોકોને અપીલ કરી છે કે, ઈંડા ફેંકી દેવા અથવા સ્ટોરમાં જમા કરી દે, આ ઉપરાંત લોકોને સંક્રમણ ફેલાતા રોકવા માટે હાથ સારી રીતે ધોવાની અપીલ કરાઈ છે. ઈંડા ખાધા પછી ડિહાઈડ્રેશન અથવા તાવ જેવા ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમેરિકાના લોસ એન્જલસમાં ઉકળતો ચરુ, લોકો અને સુરક્ષાદળો સામ-સામે, હિંસાનું શું છે કારણ?
સાલ્મોનેલા શું છે?
અમેરિકાની સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, સાલ્મોનેલા એક હાનિકારક માઇક્રોઓર્ગેનિઝમ છે. તે માનવ શરીરમાં પ્રવેશ્યાના 12થી 72 કલાકની અંદર ઝાડા, તાવ અને પેટમાં ખેંચાણ પેદા કરી શકે છે. તે બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર અને જીવલેણ બની શકે છે.