ગણેશ ઉત્સવ 2025: વડોદરામાં 90,000 શ્રીજીની મૂર્તિઓના વેચાણનો અંદાજ, રૂ. 20 કરોડના વેપારની શક્યતા
Ganesh Utsav 2025: ગણેશોત્સવને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં શ્રીજીની મૂર્તિનું વેચાણ કરતી દુકાનો અને પંડાલમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. વડોદરાના વેપારીઓએ આ વર્ષે 200થી વધુ દુકાનો અને પંડાલમાં 90 હજારથી વધુ મૂર્તિઓનું વેચાણ થવાની આશા વ્યક્ત કરી હતી, જેમાં અંદાજે 20 હજાર મૂર્તિઓ વડોદરા શહેરમાં જ વેચાશે અને તેના કારણે મૂર્તિનો કુલ કારોબાર 20 કરોડને આંબી જશે.
માટીની મૂર્તિનું વેચાણ વધ્યું
પીઓપી બાબતે લોકોમાં જાગૃતિ આવતા હવે માટીની મૂર્તિનું વેચાણ ઘણુ વધ્યું છે. માટીની મૂર્તિ પીઓપીની સરખામણીએ મોંઘી હોવા છતાં લોકો હવે માટીની મૂર્તિ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. વડોદરામાં મૂર્તિઓનું વેચાણ કરતી સૌથી વધુ દુકાનો કલામંદિરના ખાંચામાં આવેલી છે, જ્યાં 50 જેટલી દુકાનોમાં સૌથી વધુ માટીના શ્રીજીની મૂર્તિનું વેચાણ થાય છે. જ્યારે પીઓપીની મોટી મૂર્તિઓનું સૌથી વધુ વેચાણ છાણી કેનાલ રોડ પર બનેલા 30થી વધુ પંડાલમાં થાય છે.
શ્રીજીની મૂર્તિના ભાવમાં વધારો
મૂર્તિના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે માટીની મૂર્તિના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી. નાની મૂર્તિના ભાવમાં સામાન્ય 100 થી 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. વડોદરામાં માટીના શ્રીજીની મૂર્તિઓ મુંબઈથી આવે છે અને અત્યાર સુધીમાં મુંબઈથી શ્રીજીની મૂર્તિ લઇને 70થી વધુ ટ્રક વડોદરામાં આવી ચૂકી છે.
90 હજારથી વધુ મૂર્તિના વેચાણની સંભાવના
વડોદરામાં પણ શ્રીજીની મૂર્તિઓ મોટી સંખ્યામાં બને છે. ધનીયાવી ખાતે 25થી 30 કારખાનામાં શ્રીજીની મૂર્તિઓ તૈયાર થાય છે. શહેરના વિવિધ વિસ્તારમાં પણ હાલ શ્રીજીની મૂર્તિના વેચાણ માટે દુકાનો ખુલી ગઈ છે અને પંડાલો પણ બની ગયા છે. એવામાં હવે મૂર્તિની ખરીદી માટે જતા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે વડોદરા તેમજ અન્ય જિલ્લાના લોકો વડોદરામાંથી નાની-મોટી 90 હજારથી વધુ મૂર્તિઓની ખરીદી કરે તેવી સંભાવના છે.
9 ફૂટ ઊંચી મૂર્તિ
છાણી ખાતે મૂર્તિના પંડાલ ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે, અહીં નવ ફૂટ સુધીની પીઓપીની મૂર્તિઓને હાલ અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. 400 લઇને 50 હજાર રૂપિયા સુધીની મૂર્તિઓ તૈયાર થઈ છે તેમાં એડવાન્સમાં ઓર્ડર આપવામાં આવ્યો હોય તેવી મૂર્તિઓની સંખ્યા વધુ છે. શ્રીજી ઉત્સવના એક-બે દિવસ પહેલા મૂર્તિ ખરીદવા માટે શ્રદ્ધાળુઓ સૌથી વધુ આવે છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પીઓપીના ભાવમાં થોડો વધારો થયો છે, પરંતુ મૂર્તિના ભાવમાં કોઈ વધારો કરાયો નથી. મૂર્તિના ભાવ ગ્રાહકોની સંખ્યા પર નિર્ભર રહે છે. અંતિમ દિવસોમાં ગ્રાહકો ઓછા હોય તો ભાવ ઘટે છે.
ગયા વર્ષે શહેરમાં 17 હજાર શ્રીજી મૂર્તિઓનું ભક્તિભાવથી વિસર્જન કરાયું હતું
વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. દસ દિવસ ચાલતા આ તહેવાર દરમિયાન સમગ્ર શહેરમાં રાત્રે હજારોની સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન કરવા માટે વિવિધ ગણેશ મંડળના પંડાલમાં જાય છે. આ ઉપરાંત હજારો લોકો તેમના ઘરે પણ શ્રીજીની સ્થાપના કરે છે અને તેના કારણે શ્રીજીની મૂર્તિની માંગ ખૂબ જ રહે છે. ગત વર્ષે વડોદરા શહેરમાં 17 હજારથી વધુ નાની-મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા 1700થી વધુ નાના-મોટા મંડળોને શ્રીજીની સ્થાપના અંગેની મંજૂરી આપવામાં આવી હતી.
મધ્ય ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ મૂર્તિ ખરીદવા ખાસ વડોદરા આવે છે
મૂર્તિના કારોબાર સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે, વડોદરામાં શ્રીજીની મૂર્તિની ખરીદી માટે સમગ્ર મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે. આણંદ, નડિયાદ ઉપરાંત ભરૂચ, રાજપીપળા, દાહોદ, ગોધરા, લીમખેડા અને લુણાવાડા સહિતના શહેરમાંથી લોકો મૂર્તિની ખરીદી માટે આવતા હાય છે.