અમદાવાદ સેવન્થ ડે હત્યા કેસઃ પોલીસ બંદોબસ્ત સાથે નીકળી વિદ્યાર્થીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં જોડાયા લોકો
Ahmedabad Seventh Day School: અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને ભારે તોડફોડ પણ કરી હતી. હાલ, મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.
મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા કાઢી તેના અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી છે. આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. જોકે, કોઈ અનપેક્ષિત ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ અંતિમ યાત્રા મૃતકની શાળા આગળથી પસાર કરવામાં આવશે. અંતિમ યાત્રાના દ્રશ્યોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોના આંખોમાં આંસુ અને વિદ્યાર્થીને ન્યાય મળે તે માટેની માંગ છે. આ યાત્રમાં VHP, બજરંગ દળ અને ABVPના કાર્યકરો પણ જોડાયા હતા. જોકે આ પહેલા લોકોના ભારે રોષને ઠારવાનો પ્રયાસ કરતી પોલીસ સાથે જોરદાર અથડામણ સર્જાઈ હતી. જોકે હવે સ્કૂલની સામેથી જ આ અંતિમયાત્રા નીકળી હતી ત્યારે ભાવુક દૃશ્યો સર્જાયા હતા.
30 મિનિટ સુધી તરફડ્યા માર્યા પણ...
જોકે, આ મુદ્દે ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓએ શાળા સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું કે, 30 મિનિટ સુધી વિદ્યાર્થી તરફડિયા મારતો હતો તો પણ કોઈ મદદ માટે નહતું આવ્યું.પ્રત્યક્ષદર્શી શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, 'ઘટનાસ્થળે સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી ટીચર્સ હાજર હતા, તેમ છતા કોઈ મદદ માટે નહોતું આવ્યું. લગભગ 30 મિનિટ સુધી વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં ત્યાં તરફડિયા મારી રહ્યો હતો, તેમ છતાં કોઈ મદદ માટે નહતું આવ્યું. હુમલો કરનાર છોકરો તો તુરંત ત્યાંથી પેટમાં ચાકુ ભોંકીને ભાગી ગયો હતો. પરંતુ, આ વિદ્યાર્થી લોહી નીકળવાના કારણે બેભાન થઈ ગયો હતો. હું અને મારા મિત્રો તરત ત્યાં પહોંચ્યા અને તેને રિક્ષામાં બેસાડ્યો હતો. તેમ છતાં સિક્યોરિટી ગાર્ડ કે કોઈ અમારી મદદે ન આવ્યા અને ઊભા-ઊભા જોતા રહ્યા. બાદમાં વિદ્યાર્થીને સરદાર પટેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.'
ટોળાએ સ્કૂલમાં કરી તોડફોડ
મળતી માહિતી મુજબ, ગઈકાલે બનેલી હત્યાની ઘટના બાદ વિદ્યાર્થી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતો. જોકે, બુધવારે (20 ઓગસ્ટ) વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના મોત બાદ પરિવાર અને સમાજ રોષે ભરાયો હતો. પરિવાર અને સિંધી સમાજના લોકો સ્કૂલમાં ઘૂસી ગયા હતા અને પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે ઝપાઝપપી કરી હતી. એટલું જ નહીં, સ્કૂલમાં ભારે તોડફોડ પણ કરી હતી. આ સિવાય ટોળાઓ દ્વારા શિક્ષકો અને પ્રિન્સિપાલને માર મારવામાં આવ્યો હતો.
આ સિવાય ટોળાએ દ્વારા ન્યાય આપોના બેનર સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમજ પરિવાર દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીના મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તેમજ વિરોધ કરી રહેલા લોકોએ રસ્તા પર બેસી ન્યાય માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. વાલીઓ દ્વારા રોડ પર બેસી જઈ રસ્તા રોકવામાં આવી રહ્યા છે.
આ મુદ્દે સ્કૂલના એડમિનિસ્ટ્રેટર મયુરિકા પટેલે કહ્યું કે, અમે બાળક આરોપી સામે પગલાં લીધા જ હતા. આ પહેલાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પણ પગલાં લેવાયા હતા. આ ઘટના સ્કૂલ બહાર રોડ પર બની હતી, જે વિશે અમને જાણ પણ નથી. અમે આરોપી બાળક સામે એક્શન લઇશું અને તેને એલસી આપી દઇશું. બાળક સ્કૂલમાં છરી લઈને નહતો આવ્યો તેણે બહાર ગાડીમાં રાખી હતી. આ ઘટના સ્કૂલ બહાર બની છે.
આ રેડ સિગ્નલઃ શિક્ષણ મંત્રી
આ મામલે શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, 'શાળામાં વિદ્યાર્થીની હત્યાની સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ માટે હું મૃતકના પરિજનોને સાંત્વના આપું છું. આ ઘટના સામાજિક ચિંતન અને મનનનો વિષય છે. નાની ઉંમરમાં ચાકુથી લઈને હુમલો કરવો એ તમામ લોકો માટે એક રેડ સિગ્નલ છે. આવી વિકૃત માનસિકતા ધરાવનારા બાળકો પર માતા-પિતાએ નજર રાખવી જોઈએ. શાળાના નાના ઝઘડામાં મર્ડર સુધી પહોંચવું તે એક ચિંતાનો વિષય છે.
પોલીસે લોકોને કરી વિનંતી
આ ઘટના પર મુદ્દે પોલીસે કહ્યું કે, ગઈકાલે જે ઘટના બની તેમાં ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને આરોપી બાળકની પણ અટકાયત કરી લેવામાં આવી છે. હાલ, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે બાળકનું મોત થતા પરિજનો અને લોકોએ શાળા બાનમાં લીધી હતી. પરંતુ, હવે સ્થિતિ કાબૂમાં છે અને પોલીસનો પ્રયાસ છે કે, કોઈ કાયદો હાથમાં ન લે. અમે તમામને વિનંતી કરીએ છીએ કે, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ કરો અને પોલીસને પોતાનું કામ કરવા દો.
વાલીઓને લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું
આ વિશે વધુમાં તેમણે જણાવ્યું કે, વાલીઓની રજૂઆત છે કે, શાળા અને મેનેજમેન્ટ દ્વારા બહુ નાના-મોટા મુદ્દાઓ છે. તેથી અમે તમામ આગેવાનો અને વિદ્યાર્થીના વાલીને વિનંતી કરીએ છીએ કે, તમારા મુદ્દા લેખિતમાં આપો જે અમે શિક્ષણ વિભાગને મોકલીશું અને આશા છે કે, શિક્ષણ વિભાગ આ અંગે યોગ્ય કાર્યવાહી કરશે.
પોલીસની હાજરીમાં થયેલી તોડફોડ વિશે કહ્યું કે, જ્યારે આ ઘટના બની ત્યારે જેટલી પોલીસ ઘટનાસ્થળે હાજર હતી, તેમાં પૂરતો રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, જે થોડા-ઘણાં કાચ તોડવાની અને નુકસાનની ઘટના બની છે, તેમાં સીસીટીવી ફૂટેજ અને વીડિયોગ્રાફીની મદદથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
મણીનગર વિધાનસભાના ધારાસભ્યએ કરી લોકોને રજૂઆત
આ મુદ્દે મણીનગર વિધાનસભાના ધારાસભ્ય અમૂલ ભટ્ટે કહ્યું કે, આ મુદ્દે અમે સરકારમાં રજૂઆત કરી છે. લોકોને અપીલ કરતા તેમણે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હું નમ્ર વિનંતી કરૂ છું કે, ધીમે-ધીમે શાળાથી વિખેરાઇએ અને દીકરાની અંતિમ યાત્રા સુધી શાંતિ રાખવામાં આવે. જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ અને પોલીસ ખાતાના તમામ વડા શાળાએ હાજર છે, તેથી કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીંથાય અને કોઈને બક્ષવામાં નહીં આવે તેની ખાતરી આપું છું. તેથી કોઈપણ પ્રકારની તોડફોડ કરીને પોતે ગુનામાં ન સંડોવાઈએ. હું તમામને નમ્ર વિનંતી કરૂ છું કે, તમારી તમામ માંગ શાંતિપૂર્વક રીતે મૂકો.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજ ચેક કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલો કરનારા સગીર વિદ્યાર્થીને જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડ અપ કર્યો હતો.
DEO દ્વારા તપાસ
અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા અમને બનાવ અંગે જાણ કરવામાં આવી નથી. જેથી અમે સ્કૂલને નોટિસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. આ સિવાય સ્કૂલે મૃતક બાળકની શ્રદ્ધાંજલિ માટે સ્કૂલમાં રજા જાહેર કરી છે.